Prithvi Shaw & Sapna Gill Case: ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સપના ગિલના વિવાદે ઘણી ચર્ચા જગાવી હતી. મુંબઈ પોલીસે સોમવારે સ્થાનિક કોર્ટને જણાવ્યું હતું કે સપના ગીલનો આરોપ છે કે ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ મુંબઈના ઉપનગર અંધેરી વિસ્તારના એક પબમાં તેની છેડતી કરી હતી. સપના ગિલના આરોપો ‘ખોટા’ અને ‘પાયાવિહોણા’ હતા. બીજી બાજુ સોમવારે તપાસ અધિકારી કેસની સુનાવણી કરી રહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા અને આ સંદર્ભમાં અહેવાલ રજૂ કર્યો હતો. પોલીસ રિપોર્ટ સબમિટ થયા પછી ગિલના વકીલ અલી કાશિફ ખાને કોર્ટને વિનંતી કરી કે તેને કથિત વિવાદના વીડિયો ફૂટેજ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે, જે ગીલના મિત્ર દ્વારા તેના ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો મીડિયામાં વાયરલ થયો હતો.
સપના ગિલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ ઉપરાંત પબની બહારની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ માંગવામાં આવ્યા છે. કોર્ટે સમગ્ર ઘટનાના ફૂટેજ પોલીસને સોંપવા કહ્યું અને કેસની સુનાવણી 28 જૂન સુધી મુલતવી રાખી હતી. ગિલે અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં શૉ અને તેના મિત્ર આશિષ યાદવ પર ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 354, કલમ 509, કલમ 324 હેઠળ એફઆઇઆર દાખલ કરવાની વિનંતી કરી હતી. ગિલનો આરોપ છે કે શૉ અને આશિષે ફેબ્રુઆરીમાં તેના પર બેટ વડે હુમલો કર્યો હતો.
પોલીસે કોર્ટમાં શું કહ્યું?
સપના ગિલે શૉ અને તેના મિત્ર સામે છેડતીનો કેસ દાખલ કરવા માટે અંધેરીના એરપોર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે પબના સીસીટીવી ફૂટેજની તપાસમાં જોવા મળ્યું કે ગિલ અને તેનો મિત્ર શોબિત ઠાકુર દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઠાકુર શૉને તેના મોબાઈલ ફોનથી રેકોર્ડ કરવા માંગતો હતો, પરંતુ ક્રિકેટરે તેને વીડિયો લેવાથી રોકી દીધો હતો. પોલીસે કહ્યું કે ફૂટેજ જોતાં એવું લાગતું નથી કે શો અને અન્ય લોકોએ ગિલની છેડતી કરી હોય. પોલીસે કહ્યું હતું કે તેઓએ પબમાં હાજર સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે જ્યાં કથિત ઘટના બની હતી અને તેઓએ કહ્યું હતું કે કોઈએ ગિલને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો નથી.
સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા
પોલીસે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવરની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા અને જાણવા મળ્યું કે સપના ગિલ તેના હાથમાં બેઝબોલ બેટ સાથે શૉની કારનો પીછો કરી રહી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ફૂટેજમાં સપના ગિલ ક્રિકેટરની કારની વિન્ડસ્ક્રીન તોડતી જોવા મળી રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના અધિકારીઓના નિવેદન પણ નોંધ્યા છે અને તેઓએ એમ પણ કહ્યું છે કે ગિલ દ્ધારા જેવો દાવો કરવામાં આવી રહ્યો છે તેવી કોઇ ઘટના બની નથી. પોલીસે કહ્યું કે ગિલની ફરિયાદ મુજબ હાથ ધરવામાં આવેલી તપાસમાં પૃથ્વી શો અને અન્યો સામેના આરોપો ખોટા અને પાયાવિહોણા હોવાનું બહાર આવ્યું છે.