Ambati Rayudu and Sheldon Jackson: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં (Syed Mushtaq Ali Trophy) બુધવારે ગ્રુપ Dની એક મેચ દરમિયાન બે IPL સ્ટાર ખેલાડીઓ વચ્ચે ટક્કર થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર અને બરોડા વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં અંબાતી રાયડૂ (Ambati Rayudu) અને શેલ્ડન જેક્સન (Sheldon Jackson) વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એ હદ સુધી પહોંચી ગયો હતો કે, બંને ખેલાડીઓ એકબીજાની નજીક પહોંચી ગયા હતા જ્યાં કૃણાલ પંડ્યાએ વચ્ચે આવી જઈને બંને ખેલાડીઓને ઝઘડો કરતાં રોક્યા હતા.


અંબાતી રાયડૂ ગુસ્સે થયોઃ


બંને ખેલાડીઓ વચ્ચે આ બોલાચાલી ત્યારે શરુ થઈ જ્યારે સૌરાષ્ટ્રની ટીમના બેટ્સમેન શેલ્ડન જેક્સને બોલરના બોલને રમવા માટે તૈયારીમાં થોડો વધારે સમય લીધો હતો. આ વાત પર બરોડાની ટીમના કેપ્ટન અંબાતી રાયડૂ ગુસ્સે થઈ ગયો હતો. રાયડૂ આ અંગે વાત કરવા માટે એમ્પાયર પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન શેલ્ડન જેક્સન પણ તેની પાસે પહોંચી ગયો હતો. જો કે, બંને વચ્ચે આ બોલાચાલી વધે તે પહેલાં જ કૃણાલ પંડ્યા વચ્ચે આવી ગયો હતો અને પોતાની ટીમના કેપ્ટન રાયડૂને દૂર લઈ ગયો હતો. ત્યાર બાદ શેલ્ડન પણ પાછો ક્રીઝ પર આવી ગયો હતો. જો કે, એમ્પાયરે આ સમગ્ર બાબતે બરોડાની ટીમના કેપ્ટન રાયડૂને સલાહ-સૂચન આપ્યાં હતાં.






રોમાંચક મેચમાં સૌરાષ્ટ્રનો વિજય થયો હતોઃ


પ્રથમ બેટિંગ કરતાં બરોડાએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. મિતેશ પટેલ અને વિષ્ણુ સોલંકીએ અડધી સદી ફટકારી હતી. તો, કેપ્ટન અંબાતી રાયડુએ પ્રથમ બોલ પર જ ઉનડકટને વિકેટ આપી હતી. જવાબમાં સૌરાષ્ટ્રે સમર્થ વ્યાસની 52 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગને કારણે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. સૌરાષ્ટ્રે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં સૌરાષ્ટ્ર તરફથી ચેતેશ્વર પૂજારા પણ મેદાનમાં હતો. તે 18 બોલમાં 14 રન બનાવીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો.


આ પણ વાંચો....


NZ vs BAN: બાંગ્લાદેશને હરાવીને ટ્રાઇ સીરિઝની ફાઇનલમાં પહોંચી ન્યૂઝિલેન્ડ, પાકિસ્તાન સામે ટકરાશે