Angelo Mathews Retirement: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો રહી જેમાં શ્રીલંકાને ચોથી ઇનિંગમાં 295 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પાંચમા દિવસે  શ્રીલંકા 4 વિકેટ ગુમાવીને 72 રન બનાવી શક્યું, પરિણામે મેચ ડ્રો રહી હતી. આ મેચ સમાપ્ત થતાં જ  દિગ્ગજ ખેલાડી એન્જેલો મેથ્યુઝે રેડ-બોલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી ઇનિંગમાં મેથ્યુઝ ફક્ત 8 રન બનાવી શક્યો હતો. તમને જણાવી દઈએ કે મેથ્યુઝે તેની 119 મેચની ટેસ્ટ કારકિર્દીમાં 8 હજારથી વધુ રન બનાવ્યા હતા.

એન્જેલો મેથ્યુઝે પહેલાથી જ જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશ સામેની શ્રેણીની પહેલી ટેસ્ટ તેની રેડ-બોલ કારકિર્દીની છેલ્લી મેચ હશે. તેણે પહેલી ઇનિંગમાં 39 રન બનાવ્યા હતા. તેણે પહેલી ઇનિંગમાં તેની ટીમને 485 રન સુધી પહોંચવામાં મદદ કરી હતી. તેને પહેલી ઇનિંગમાં મોમિનુલ હકે આઉટ કર્યો. બીજી ઇનિંગમાં, મેથ્યુઝ માત્ર 8 રન બનાવીને આઉટ થયો અને આ વખતે તેની વિકેટ તૈજુલ ઇસ્લામે લીધી.

નિવૃત્તિ પર ભાવુક થયો એન્જેલો મેથ્યુઝ

મેચ પછીના પ્રેઝન્ટેશનમાં એન્જેલો મેથ્યુઝ ભાવુક થયો હતો. તેણે કહ્યું, "આ સફર સરળ નહોતી, જેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. હું મારા સાથી ખેલાડીઓના સમર્થનને કારણે જ આ સ્થાન સુધી પહોંચી શક્યો છું. હું ક્રિકેટના શ્રેષ્ઠ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, મને ટેસ્ટ ફોર્મેટ સૌથી વધુ ગમ્યું. હવે સમય આવી ગયો છે કે યુવા ખેલાડીઓ પોતાની જવાબદારી સમજે અને શ્રીલંકન ક્રિકેટને આગળ લઈ જાય."    

એન્જેલો મેથ્યુઝની ટેસ્ટ કારકિર્દી

એન્જેલો મેથ્યુઝે વર્ષ 2009 માં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 119 મેચની ટેસ્ટ કારકિર્દીમાં 8,214 રન બનાવ્યા હતા. બેટિંગ કરતી વખતે તેમણે રેડ બોલ ફોર્મેટમાં 16 સદી અને 45 અડધી સદી ફટકારી હતી. મેથ્યુઝે એક મહાન ઓલરાઉન્ડર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી હતી. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 33 વિકેટ પણ લીધી હતી.

જોકે, એન્જેલો મેથ્યુઝ ODI અને T20 ફોર્મેટમાં રમતા જોવા મળશે. તેણે 2026 ના T20 વર્લ્ડ કપ માટે પોતાને ઉપલબ્ધ બતાવ્યો  છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝની કુલ સંપત્તિ લગભગ 41 કરોડ રૂપિયા છે. મેથ્યુઝે ફક્ત IPLમાંથી જ 23.9 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.