Anurag Thakur Reply : T20 વર્લ્ડકપ 2022 બાદ હવે ODI વર્લ્ડકપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથો સાથ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ ODI વર્લ્ડકપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી હતી. ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું જેને લઈને વર્લ્ડ ક્રિકેટમાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે. રમીઝ રાજાએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં જાય. એટલું જ નહીં રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં ભાગ નહીં લે તો વર્લ્ડકપ જોશે જ કોણ?
ભારતના રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે એક ખાસ વાતચીતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારત વિશ્વ ક્રિકેટમાં એક મોટી તાકાત છે. વર્લ્ડકપ માટે ભારત આવનારી પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની રમીઝ રાજાની ધમકી પર રમત મંત્રીએ કહ્યું હતું કે, તમે યોગ્ય સમયની રાહ જુઓ. ભારત ક્રિકેટમાં વિશ્વ શક્તિ છે અને તેને કોઈ અવગણી ના શકે.
BCCI અને PCB આમને-સામને
ઉલ્લેખનીય છે કે, ICCના શેડ્યૂલ મુજબ વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે. પરંતુ BCCI સેક્રેટરી જય શાહે થોડા સમય પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય કારણ કે ત્યાં સુરક્ષાને લઈને ઘણી સમસ્યાઓ છે. ત્યાર બાદથી જ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે.
રમીઝ રાજાએ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે તો તે એશિયા કપ અને વર્લ્ડકપનો બહિષ્કાર કરશે. પીસીબીએ પણ આઈસીસી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે વિશ્વ ક્રિકેટમાં બીસીસીઆઈની તાકાત અને સુરક્ષાના તર્ક સામે પીસીબી માટે જીત મેળવવી મુશ્કેલ છે.