લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ત્રીજો તબક્કો પણ આજથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની એશિઝ ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થશે. ગયા અઠવાડિયે ભારત સામેની ડબલ્યુટીસી ફાઇનલમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ચેમ્પિયનના ટાઇટલ સાથે મેચમાં ઉતરશે ત્યારે ઇંગ્લેન્ડની ટીમ પણ ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં એક પણ શ્રેણી ન હારવાનો પોતાનો ઉત્તમ રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જોકે, સ્થાનિક સમર્થકોમાં ઈંગ્લેન્ડનો દાવો વધુ મજબૂત હોવાનું માનવામાં આવે છે.






છેલ્લી વખત જ્યારે બંને ટીમો એશિઝમાં ટકરાઇ હતી  ત્યારે ઓસ્ટ્રેલિયાએ સીરિઝ 4-0થી જીતી હતી. પરંતુ, જ્યારે ઇંગ્લેન્ડ ઘરઆંગણે આ સીરિઝ રમે છે ત્યારે તેણે છેલ્લા 23 વર્ષમાં ઓસ્ટ્રેલિયાને અહીં જીતવા દીધું નથી. 40 વર્ષીય ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને 36 વર્ષીય સ્ટુઅર્ટ બ્રોડ, જેમણે આ 23 વર્ષોમાં ટીમની મોટાભાગની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેઓ આ વખતે પણ પોતાના અનુભવથી ઓસ્ટ્રેલિયાની કઠોર કસોટી કરશે. આ સિવાય ઇજામાંથી વાપસી કરી રહેલા જોની બેયરસ્ટો અને નિવૃત્તિમાંથી પરત ફરેલા અનુભવી સ્પિનર ​​મોઇન અલીની હાજરી પણ ટીમને ફાયદો કરાવશે.


ટીમ બદલવાની શક્યતા ઓછી


જ્યાં સુધી ઓસ્ટ્રેલિયાની વાત છે તો ટીમે સંકેત આપ્યો હતો કે ભારત સામે ડબલ્યુટીસી ફાઈનલ જીત્યા બાદ એશિઝની પ્રથમ મેચમાં તે જ પ્લેઈંગ ઈલેવન રાખવામાં આવશે. જ્યારે બોલિંગમાં ટીમ સ્કોટ બોલેન્ડ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને નાથન લિયોન પર નિર્ભર રહેશે, ત્યારે બેટિંગમાં માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની ભૂમિકા મહત્વની રહેશે. જોકે, ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાની જોડીને જાળવી રાખવા પર શંકા છે. ડબલ્યુટીસી ફાઈનલમાં બંન્નેએ સારુ પ્રદર્શન કર્યુ નહોતું.


ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર બ્રેન્ડન મેક્કુલમના કોચ બન્યા બાદથી ઈંગ્લેન્ડની ટીમમાં જબરદસ્ત ફેરફાર થયો છે. તેની અને કેપ્ટન બેન સ્ટોક્સની બેઝબોલ સ્ટ્રેટેજી સફળ સાબિત થઈ રહી છે. બંન્નેએ સાથે મળીને ઈંગ્લેન્ડને છેલ્લી 17 ટેસ્ટ મેચમાંથી 12માં જીત અપાવી છે. તેનાથી વિપરીત આ બંન્નેના કાર્યકાળ પહેલા ઇંગ્લેન્ડે 17 મેચમાંથી માત્ર એકમાં જ જીત મેળવી હતી. આ બતાવે છે કે આ બંન્નેની જોડી કેટલી સુપરહિટ છે.