Ashes: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડના ઓવલ સ્ટેડિયમમાં એશિઝ (Ashes)ની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે અહીં એવી વીજળી ત્રાટકી કે અમ્પાયરે રમત અટકાવવાનો નિર્ણય સમય કરતાં ઘણો વહેલો લેવો પડ્યો.


ડે-નાઈટ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓવલ સ્ટેડિયમની બહાર આ જોરદાર વીજળી જોવા મળી હતી. ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન 9મી ઓવરમાં આ નજારો જોવા મળ્યો હતો. તેની તસવીર પણ સ્ટમ્પ કેમેરામાં કેદ કરવામાં આવી છે, જેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટર પર પણ શેર કરી છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પણ આ વાત શેર કરી છે.






વાસ્તવમાં મેચ દરમિયાન જ એડિલેડનું હવામાન ખરાબ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં જ્યારે વીજળી પડી ત્યારે અમ્પાયરે તરત જ ખેલાડીઓને પેવેલિયન પરત ફરવાની સૂચના આપી હતી. થોડીવાર પછી હળવો વરસાદ શરૂ થયો અને પછી અમ્પાયરોએ દિવસની રમત સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. સ્ટમ્પ સુધી ઇંગ્લેન્ડની ટીમે 17 રનમાં પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા આ મેચમાં 456 રનથી આગળ છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ 473 રન પર ડિકલેર કર્યો હતો.