England Playing XI For 1st Ashes Test: ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે. મોઈન અલીને આ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. વાસ્તવમાં મોઇન અલીએ અગાઉ ટેસ્ટમાંથી નિવૃતિ જાહેર કરી હતી પરંતુ તેણે એશિઝ અગાઉ નિવૃતિ પાછી ખેંચી હતી. હવે આ ખેલાડી પ્લેઇંગ ઇલેવનમાં પરત ફર્યો છે. આ સિવાય બેન ડકેટ પણ ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ માટેની પ્લેઇંગ ઇલેવ જાહેર કરી હતી.






ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન મળ્યું?


બેન ડકેટ અને જેક ક્રાઉલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનર તરીકે રહેશે. આ સિવાય ભૂતકાળમાં બેવડી સદી ફટકારનાર ઓલી પોપ હશે. જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી જો રૂટ અને હેરી બ્રુક્સ પર રહેશે. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ઓલરાઉન્ડર તરીકે રહેશે. વિકેટ કીપર બેટ્સમેન જોની બેયરસ્ટોને પણ ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. મોઈન અલી પણ મેદાન પર જોવા મળશે. આ ખેલાડીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ 2021માં ભારત સામે રમી હતી.


ઇગ્લેન્ડે આ ઝડપી બોલરોને આપી તક


વાસ્તવમાં મોઇન અલીને જેક લીચના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફાસ્ટ બોલર હશે. જેમાં જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ સિવાય ત્રીજો ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન હશે.


ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન


બેન ડકેટ, જેક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક્સ, મોઈન અલી, બેન સ્ટોક્સ, જોની બેયરસ્ટો, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન


એશિઝ સીરિઝનો ઇતિહાસ


એશિઝ 2023 16 જૂન, શુક્રવારથી શરૂ થશે. એશિઝ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી જૂની શ્રેણી છે, જે હજુ પણ રમાઈ રહી છે. તેની શરૂઆત 1882-83માં થઈ હતી. 1882માં ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. બંને વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ઓવલ મેદાન પર રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો.


અત્યાર સુધી કોનો રહ્યો છે દબદબો?


ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 72 એશિઝ શ્રેણી રમાઈ છે જેમાં ઓસ્ટ્રેલિયાએ 34 વખત જીત મેળવી છે. આ સાથે જ ઈંગ્લેન્ડે 32 વખત શ્રેણી જીતી છે. આ સિવાય 6 શ્રેણી ડ્રો રહી હતી. અગાઉ 2021-22માં રમાયેલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીત મેળવી હતી. જ્યારે આ વખતે 2023માં રમાનારી શ્રેણી ઈંગ્લેન્ડમાં રમાશે.


છેલ્લી પાંચ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 3 વખત સીરિઝ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 1 વખત જ જીતવામાં સફળ રહ્યું છે. એક શ્રેણી ડ્રો રહી હતી