Asia cup 2023:  એશિયા કપ 2023 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે. અગાઉ પાકિસ્તાને પ્રથમ  મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત એક દિવસ અગાઉ કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવા મેદાનમાં ઉતરશે.  તાજેતરમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી. ટીમ મેનેજમેન્ટે અફઘાનિસ્તાન સામે પસંદ કરાયેલી પાકિસ્તાની ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. ઇફ્તિખાર અહેમદ અને નસીમ શાહ પ્લેઇંગ-11માં પરત ફર્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3-0થી હરાવ્યું હતું.






ત્રણ ફાસ્ટ બોલરો સિવાય પાકિસ્તાને પ્લેઈંગ-11માં ત્રણ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રાખ્યા છે. આ સિવાય ટીમની બેટિંગ પણ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ફખર ઝમાન અને ઇમામ-ઉલ-હક ઓપનિંગમાં ઉતરશે. બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ઇફ્તિખાર અહેમદ, સલમાન આગા મિડલ ઓર્ડરમાં રમશે. શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ પણ નીચલા ક્રમમાં બેટિંગ કરી શકે છે. નસીમ ઉપરાંત શાહીન આફ્રિદી અને હારિસ રઉફ ઝડપી બોલિંગનું નેતૃત્વ કરશે.


 કેટલા વાગ્યે શરૂ થશે પાકિસ્તાન અને નેપાળની મેચ


એશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાનના મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારતમાં ટીવી પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પાકિસ્તાન-નેપાળ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપ પર થશે. યુઝર્સ આ મેચ મોબાઈલ પર ફ્રીમાં જોઈ શકશે.


એશિયા કપમાં ભારતનો રહ્યો છે દબદબો


આ વખતે જો ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટાઈટલ જીતશે તો 4 વર્ષ બાદ ટીમ એશિયા કપ જીતશે. એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. ટીમે છેલ્લું ટાઇટલ 2018માં જીત્યું હતું.


અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સીઝન રમાઇ છે જેમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઈટલ જીત્યું છે. જ્યારે બીજા નંબર પર શ્રીલંકા છે જે 6 વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન માત્ર બે વાર (2000, 2012) ટાઇટલ જીતી શક્યું છે.


નેપાળ સામેની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11


બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન, ઇફ્તિખાર અહેમદ, સલમાન આગા, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ.