IND vs BAN Match Report: બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું છે. ભારતને જીતવા માટે 266 રનનો ટાર્ગેટ હતો. પરંતુ ભારતીય ટીમ 49.5 ઓવરમાં 259 રન પર જ સિમિત રહી હતી. ભારત તરફથી ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે 133 બોલમાં 121 રન બનાવ્યા હતા. આ યુવા ઓપનરે પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તે ટીમ ઈન્ડિયાને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. શુભમન ગિલ સિવાય અન્ય ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેન જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે 34 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ અક્ષર પટેલની ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહોતી.


 






ભારતીય ટીમને 266 રનનો ટાર્ગેટ મળ્યો હતો


આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબ અલ હસને 85 બોલમાં 80 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશી કેપ્ટને પોતાની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે તૌહીદ હૃદયે 81 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રનનું યોગદાન આપ્યું હતું.



શાકિબ અલ હસન અને તૌહીદની શાનદાર બેટિંગ


પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. શાકિબ અલ હસનની ટીમને પહેલો ફટકો 13 રનના સ્કોર પર લાગ્યો હતો. બાંગ્લાદેશના 4 બેટ્સમેન 59 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, આ પછી કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હૃદય વચ્ચે પાંચમી વિકેટ માટે 101 રનની ભાગીદારી થઈ હતી. વાસ્તવમાં બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર ફેલ ગયો હતો. બાંગ્લાદેશના ટોપ-3 બેટ્સમેનોએ અનુક્રમે 13, 0 અને 4 રન બનાવ્યા હતા. જ્યારે મહેંદી હસન મિરાજે 28 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું. શમીમ હૌસેન 5 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય નસુમ અહેમદે 45 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મહેંદી હસને 23 બોલમાં 29 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.


 




ભારતીય બોલરોની શાનદાર બોલિંગ


ભારતીય બોલરોની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્ના, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. એશિયા કપની આ છેલ્લી સુપર-4 રાઉન્ડની મેચ છે. ભારત અને શ્રીલંકાની ટીમો ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.