India vs Pakistan, Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની સુપર-4ની મેચ વરસાદને કારણે બંધ રાખવી પડી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 147 રન બનાવી લીધા હતા. વરસાદના જોખમને ધ્યાનમાં રાખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલે   રિઝર્વ-ડે પહેલાથી જ રાખ્યો છે. જેથી બીજા દિવસે મેચ રમાડી શકાય.


 






આ મેચમાં જો આજે બંને દાવની રમત 20-20 ઓવરની નહીં રમાય તો તે સ્થિતિમાં મેચ રિઝર્વ ડે પર રમાશે. અમ્પાયરોએ હવે મેચનો કટ-ઓફ સમય ભારતીય સમય અનુસાર મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી વધારી દીધો છે. આવી સ્થિતિમાં આ મેચ આજ જ શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિઝર્વ ડે પર, મેચ તે જ જગ્યાએથી શરૂ કરવામાં આવશે જ્યાં વરસાદને કારણે રમત અટકાવવામાં આવી હતી.


રોહિત અને ગિલે ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી


ભારતીય ટીમે આ મેચ માટે તેના પ્લેઇંગ 11માં 2 ફેરફાર કર્યા છે. આમાં શ્રેયસ અય્યર અનફિટ હતો ત્યારે તેની જગ્યાએ કેએલ રાહુલનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે બુમરાહને શમીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ આ મેચમાં ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત અપાવવાનું કામ કર્યું હતું. બંનેએ પહેલી જ ઓવરથી જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.


પ્રથમ 10 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાએ કોઈ પણ નુકશાન વિના 61 રન બનાવી લીધા હતા. આ પછી શુભમન ગિલે વનડેમાં પોતાની 8મી અડધી સદી માત્ર 37 બોલમાં પૂરી કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ તેની 50મી આંતરરાષ્ટ્રીય ODI અડધી સદી ફટકારી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી જોવા મળી હતી.આ મેચમાં રોહિત પાકિસ્તાની લેગ સ્પિનર ​​શાદાબ ખાનનો શિકાર બન્યો હતો જ્યારે તે મોટો શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાને 123ના સ્કોર પર બીજો ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો જે 58 રન બનાવીને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો.