Ravindra Jadeja Record: એશિયા કપમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. 214 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકાની ટીમે 27 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 110 રન બનાવી લીધા છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ શનાકાને રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. શનાકાની વિકેટ ઝડપતા જ રવિન્દ્ર જાડેજા વન ડે એશિયા કપમાં સૌથી વધુ વિકેટ ઝડનારો ભારતીય બોલર બની ગયો છે. જાડેજાની આ વન ડે એશિયા કપની 23મી વિકેટ હતી.
વન ડે એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર્સ
- જાડેજા પહેલા આ રેકોર્ડ ગુજરાતી બોલર ઈરફાન પઠાણના નામે હતો. જેણે ODI એશિયા કપની 12 મેચમાં 22 વિકેટ ઝડપી છે.
- આ લિસ્ટમાં ત્રીજું નામ સચિન તેંડુલકરનું છે, જેનાથી ઘણા લોકોને આશ્ચર્ય થશે, તેણે ODI એશિયા કપની 23 મેચમાં 17 વિકેટ ઝડપી છે.
- આ યાદીમાં ચોથા નંબર પર મહાન કપિલ દેવ છે, જેમણે ODI એશિયા કપની 7 મેચમાં 15 વિકેટ લીધી છે.
- હાલમાં, ભારતના મહાન સ્પિનર રવિચંદ્રન અશ્વિને ODI એશિયા કપની 7 મેચમાં 14 વિકેટ લીધી છે.
વન ડે એશિયા કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર
વન ડે એશિયા કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરમાં શ્રીલંકાનો પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન ટોચ પર છે. તેણે 30 વિકેટ ઝડપી છે. જે બાદ લસિથ મલિંગાએ 29 અને અજંતા મેંડિસે 26 વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા પાસે આ રેકોર્ડ તોડવાની તક છે.
પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 53 રન બનાવ્યા હતા. તેણે ગિલ (19) સાથે મળી પ્રથમ વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલી 3 રન, ઈશાન કિશન 33 રન, કેએલ રાહુલ 39 અને અક્ષર પટેલ 26 રન બનાવી આઉટ થયા હતા. દુનિથ વેલાલેગાએ 40 રનમાં 5 અને અસલંકાએ 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મહેશ તીક્ષ્ણાએ 41 રનમાં 1 વિકેટ લીધી હતી. આમ ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી. એશિયા કપમાં ભારતની તમામ 10 વિકેટ સ્પિનર્સે ઝડપી હોય તેવી આ પ્રથમ ઘટના છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં આજે એક ફેરફાર કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરના સ્થાને અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં મોકો મળ્યો છે.