Asia Cup 2023 India vs Pakistan: અત્યારે એશિયા કપ 2023 ચાલી રહ્યો છે, હવે આવતીકાલે 10 સપ્ટેમ્બર, રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં જંગ જામશે. બન્ને દેશોની ટીમો ફરી એકવાર કોલંબોમાં આમને સામને ટકરાશે. હવે આ મેચને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક મોટો ફેરફાર થઈ શકે છે. ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. બુમરાહ અંગત કારણોસર શ્રીલંકાથી ભારત પરત ફર્યો હતો. આ કારણે તે નેપાળ સામેની મેચમાં રમ્યો નહોતો. પરંતુ હવે તે પરત ફરી શકે છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા અક્ષર પટેલને પણ તક આપી શકે છે.
ખરેખરમાં, બુમરાહની પત્ની સંજના ગણેશને હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. આ કારણે બુમરાહ ભારત પરત ફર્યો હતો. તે ભારત-નેપાળ મેચમાં રમી શક્યો નહોતો. બુમરાહ ટીમ ઈન્ડિયાનો મહત્વનો બૉલર છે. તે એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની પ્રથમ મેચમાં રમ્યો હતો, પરંતુ વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી. બુમરાહની વાપસી સાથે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફાર થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. અક્ષર સારી બૉલિંગની સાથે બેટિંગ પણ કરે છે. જો અક્ષરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે તો શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવી શકે છે. બુમરાહ અને મોહમ્મદ સિરાજ પાકિસ્તાન સામે ભારતના બૉલિંગ આક્રમણનો મહત્વનો ભાગ બની શકે છે. હાર્દિક પંડ્યા ફાસ્ટ બૉલિંગ પણ કરે છે, અને તે ઓલરાઉન્ડર છે. તેથી ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફાસ્ટ બૉલર અને બે સ્પિન બૉલર સામેલ થઇ શકે છે. ભારતનો પ્રથમ સ્પિનર કુલદીપ યાદવ હશે. આ સાથે જ બીજો સ્પિનર અક્ષર પટેલ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો રિઝર્વ ડે પર રમાશે. રસપ્રદ વાત એ છે કે સુપર -4માં કોઈપણ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.