Pakistan Playing 11 Against Sri Lanka:  એશિયા કપ 2023માં ગુરુવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવાની છે. બંને ટીમો માટે તે કરો યા મરોનો મુકાબલો છે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચશે, જ્યારે હારેલી ટીમની સફર સમાપ્ત થઈ જશે. શ્રીલંકા સામેની મેચ માટે પાકિસ્તાને પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.


પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં 5 ફેરફાર


શ્રીલંકા સામે કરો યા મરો મેચમાં પાકિસ્તાનની ટીમ 5 ફેરફારો સાથે ઉતરશે. ફખર જમાન, સલમાન અલી આગા, નસીમ શાહ, હારીસ રઉફ અને ફહીમ અફરાશ આ મેચમાં પાકિસ્તાન ટીમનો ભાગ નહીં હોય. નસીમ શાહ ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર છે. તેની જગ્યાએ જમાન ખાન ટીમમાં સામેલ થયો છે. આ મહત્વપૂર્ણ મેચ માટે ઓપનર મોહમ્મદ હરિસ, ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ જુનિયર, મિડલ ઓર્ડર બેટ્સમેન સઈદ શકીલ, ફાસ્ટ બોલર જમાન ખાન અને સ્પિન ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝને પાકિસ્તાન ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.


શ્રીલંકા સામેની મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન-


મોહમ્મદ હરિસ, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન શાહ આફ્રિદી અને જમાન ખાન.


પાકિસ્તાન-શ્રીલંકા મેચ કોઈ સેમીફાઈનલથી ઓછી નથી


પાકિસ્તાન અને શ્રીલંકા બંનેના બે-બે પોઈન્ટ છે અને આ રીતે ગુરુવારે યોજાનારી મેચ નોકઆઉટ મેચ બની ગઈ છે. જેમાં વિજેતા ટીમ 17 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલમાં પ્રવેશ કરશે.






જો વરસાદના કારણે મેચ રદ્દ થાય તો...


 જો સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા મેચ ધોવાઇ જાય છે, તો તે તેમના માટે મુશ્કેલ હશે કારણ કે બંને ટીમો પાસે કોઈ રિઝર્વ ડે પણ નથી. જ્યારે અગાઉ રવિવારે પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં રિઝર્વ ડે હતો અને તે વરસાદથી પ્રભાવિત મેચ રિઝર્વ ડે પર જ એટલે કે સોમવારે પૂર્ણ થઈ હતી. આવી સ્થિતિમાં જો ગુરુવારના દિવસે વરસાદ ધોવાઇ જાય છે, તો બંને ટીમોએ અહીં એક-એક પૉઇન્ટ વહેંચવો પડશે. હાલમાં બંને ટીમો 2-2 પૉઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ નબળા નેટ રનરેટ (NRR)ને કારણે અહીંથી બહાર થશે, તેનો વર્તમાન નેટ રનરેટ -1.892 છે, જ્યારે શ્રીલંકાની નેટ રનરેટ હાલમાં -0.200 છે, જે પાકિસ્તાન કરતાં વધુ સારી છે.