PAK vs BAN Match Report: એશિયા કપ સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ હતો. પાકિસ્તાની ટીમના ઓપનર ઈમામ-ઉલ-હક અને વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની શાનદાર ઇનિંગ્સના કારણે 39.3 ઓવરમાં 3 વિકેટે 194 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઈમામ-ઉલ-હકે 84 બોલમાં 78 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ રિઝવાને 79 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી.
આ પહેલા ઓપનર ફખર ઝમાને 31 બોલમાં 20 રન બનાવ્યા હતા. ફખર ઝમાનને શોરીફુલ ઇસલાને આઉટ કર્યો હતો. તો બીજી તરફ, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 22 બોલમાં 17 રન બનાવ્યા હતા. બાબર આઝમને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર તસ્કીન અહેમદે બોલ્ડ આઉટ કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી શોરીફુલ ઈસ્લાન અને તસ્કીન અહેમદ સિવાય મેહદી હસન મિરાજે 1-1 વિકેટ લીધી હતી.
હવે પાકિસ્તાનને ટીમ ઈન્ડિયા અને શ્રીલંકાના પડકારનો સામનો કરવો પડશે
જોકે, પાકિસ્તાને સુપર-4 રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ કર્યો હતો. હવે પાકિસ્તાની ટીમ સુપર રાઉન્ડમાં ભારત અને શ્રીલંકા સાથે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના મેદાન પર મેચ રમાવાની છે. બાંગ્લાદેશ સામેની શાનદાર જીત બાદ બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાને ફાઈનલ તરફ મજબૂત પગલું ભર્યું છે.
આવી હતી પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચની સ્થિતિ
આ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 38.4 ઓવરમાં 193 રન પર સમેટાઈ ગઈ હતી. મુશ્ફિકુર રહીમે 87 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે મુશ્ફિકુર રહીમ સિવાય કેપ્ટન શાકિબ અલ હસને 57 બોલમાં 53 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી ઝડપી બોલર હરિસ રઉફે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ નસીમે બાંગ્લાદેશના 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. શાહીન આફ્રિદી, ફહીમ અશરફ અને ઈફ્તિખાર અહેમદને 1-1 વિકેટ મળી હતી.