Asia Cup 2023 Team Inida Squad: એશિયન ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે એશિયા કપ 2023 શરૂ થવામાં 10 દિવસથી ઓછો સમય બાકી છે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હજુ સુધી આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર, સોમવારે 2023 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા જાણી લો આ ટૂર્નામેન્ટ માટે ભારતની 17 સભ્યોની ટીમ કેવી હોઈ શકે છે.
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરવામાં આવશે. આ દરમિયાન BCCI ચીફ સિલેક્ટર અજીત અગરકર સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હાજર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે બપોરે લગભગ 12 વાગે બેઠક થશે. આ પછી એશિયા કપ માટે 17 સભ્યોની ભારતીય ટીમના ખેલાડીઓના નામની જાહેરાત બપોરે 1.30 વાગ્યે કરવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે એશિયા કપ માટે ટીમની પસંદગી આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ માટે સૌથી વધુ ધ્યાન એવા ખેલાડીઓ પર આપવામાં આવશે, જેઓ વર્લ્ડ કપમાં પણ રમશે. નોંધપાત્ર વાત એ છે કે 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થઈ રહ્યો છે.
બે ગુજરાતીઓ વચ્ચે જોરદાર ટક્કર
રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમમાં જસપ્રીત બુમરાહને મહત્વની જવાબદારી મળી શકે છે. બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયામાં આ પદ માટે બુમરાહની સીધી સ્પર્ધા હાર્દિક પંડ્યા સાથે છે. હાર્દિક પંડ્યા ટી-20માં કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ બુમરાહને આયર્લેન્ડ સામેની ટી20 સીરીઝમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે હવે બુમરાહને જવાબદારી મળે તેવી શક્યતા વધુ છે.
એશિયા કપ 2023 બાદ 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ રમાશે. તેથી બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ પહેલેથી જ મુખ્ય ટીમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પીટીઆઈના એક સમાચાર અનુસાર બીસીસીઆઈના એક સૂત્રે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેને કહ્યું, જો તમે નેતૃત્વના સંદર્ભમાં અનુભવ જુઓ તો બુમરાહ પંડ્યા કરતા આગળ છે. તેને 2022માં ટેસ્ટ ટીમનું સુકાન સંભાળ્યું હતું. દક્ષિણ આફ્રિકાના વનડે પ્રવાસ દરમિયાન તે હાર્દિક પંડ્યા પહેલા વનડે ટીમનો વાઇસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરની પણ પસંદગી થઈ શકે છે
કેએલ રાહુલને એશિયા કપ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ શ્રેયસ અય્યરને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે એશિયા કપ માટેની 17 સભ્યોની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સાથે તિલક વર્માને પણ સરપ્રાઈઝ પેકેજ તરીકે 17 સભ્યોની ટીમમાં જગ્યા મળી શકે છે.
એશિયા કપ માટે ભારતની સંભવિત 17 સભ્યોની ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર) અને તિલક વર્મા.