Asia Cup 2023:  શ્રીલંકામાં રમાઈ રહેલી એશિયા કપની મેચો રમત કરતાં વધુ વરસાદને કારણે ચર્ચામાં છે. એવી કોઈ મેચ નથી થઈ રહી જેમાં વરસાદને કારણે કોઈ ખલેલ ન પડી હોય. આ દરમિયાન એશિયા કપ ફાઈનલને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદને કારણે ફાઈનલ મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે અને ટ્રોફી શેર કરવામાં આવશે.


એશિયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. રિઝર્વ ડે ન હોવાના કારણે શ્રીલંકામાં ચોમાસાની સિઝનમાં મેચોના આયોજનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પહેલા જ કહી ચૂક્યું છે કે વરસાદને કારણે મોટું નુકસાન થશે. પીસીબીનું કહેવું છે કે વરસાદની મોસમને કારણે તેઓ શ્રીલંકાને બદલે યુએઈમાં મેચ આયોજિત કરવા માંગતા હતા. પરંતુ ACC પ્રમુખ જય શાહે UAE ને બદલે શ્રીલંકાને વિકલ્પ તરીકે પસંદ કર્યું.


ક્યાંથી શરૂ થયો વિવાદ


વાસ્તવમાં આ સમગ્ર વિવાદ એશિયા કપની યજમાનીને લઈને શરૂ થયો હતો. આ વર્ષે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાનને મળ્યો હતો. ભારતે સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, હોસ્ટિંગને લગતા નવા વિકલ્પોની શોધ શરૂ કરવામાં આવી હતી. આખરે હોસ્ટિંગ માટે હાઇબ્રિડ મોડલ વિકસાવવામાં આવ્યું હતું. આ મોડલ હેઠળ ચાર મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાઈ રહી છે. જો કે ભારતીય ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં જ રમશે. ફાઇનલ મેચ પણ શ્રીલંકામાં યોજાવાની છે. પરંતુ વરસાદના સંકટના કારણે હવે ફાઈનલને લઈને પણ સવાલો ઉભા થયા છે.


 ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર વરસાદનો ખતરો


એશિયા કપ 2023 ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ્દ થઇ હતી. હવે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. સુપર ફોરની ત્રીજી મેચ પર વરસાદનો ખતરો છે. આ મેચ કોલંબોમાં રમાવાની છે. પરંતુ કોલંબોમાં ભારે વરસાદે ચિંતા વધારી દીધી છે. છેલ્લી ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે કોલંબોમાં મેચ રમાવાની છે. પરંતુ ભારે વરસાદને કારણે પિચ અને મેદાનની તૈયારી પર ખરાબ અસર પડી છે. આ અંગે ગ્રાઉન્ડ સ્ટાફને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વરસાદને કારણે પ્રેક્ટિસ કરી શક્યા નથી. આ કારણે હાલ આ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. ભારત-પાકિસ્તાનની છેલ્લી મેચ પલ્લેકલેમાં રમાઇ હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ કરાઇ હતી.