એશિયા કપમાં ભારતીય ટીમ બુધવારથી દુબઈમાં યુએઈ સામે પોતાનું અભિયાન શરૂ કરશે, પરંતુ ટીમ મેનેજમેન્ટ હજુ પણ પ્લેઈંગ ઈલેવનમાં કેવી રીતે ફિટ થશે તે અંગે મૂંઝવણમાં છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શુભમન ગિલ અને સંજુ સેમસન બંનેને પ્લેઈંગ ઈલેવનમાં કેવી રીતે ફિટ કરવા. ટેસ્ટ કેપ્ટન ગિલ વાઈસ કેપ્ટન તરીકે ટી20 ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે વિકેટકીપર સંજુએ તાજેતરના ભૂતકાળમાં ઓપનર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે.
અભિષેક શર્મા સાથે સંજુની ભાગીદારી સફળ રહી છે અને આ જોડી સતત રન બનાવી રહી છે. બીજી તરફ, ગિલ મુખ્યત્વે ઓપનિંગમાં પણ રમે છે. આવી સ્થિતિમાં અભિષેકનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ સંજુ અને ગિલના સ્થાન અંગે મૂંઝવણ છે.
સોમવારે દુબઈના આઈસીસી ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડમાં ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન, સંજુએ પહેલા ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે વિકેટકીપિંગનો અભ્યાસ કર્યો. આ પછી તે કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી વાતચીત કરતો જોવા મળ્યો. ગંભીરે સંજુ સાથે કીપિંગ કરતાં બેટિંગના પાસાઓ પર વધુ ચર્ચા કરી હતી. જીતેશ શર્માએ લગભગ 80 મિનિટ સુધી બેટિંગ પણ કરી અને પછી વિકેટકીપિંગનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત શરૂઆતમાં પ્રેક્ટિસ કરનારા બેટ્સમેનોમાં અભિષેક, ગિલ, તિલક, દુબે, સૂર્યા અને હાર્દિકનો સમાવેશ થાય છે.
સૂત્ર કહે છે કે જો સંજુ અને અભિષેક ઓપનિંગ કરે છે તો ગિલને ત્રીજા નંબર પર રમાડવું મુશ્કેલ બનશે કારણ કે પછી તિલક વર્મા ત્યાં આવશે. આવી સ્થિતિમાં ગિલને પ્લેઈંલ ઇલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે, પરંતુ એ પણ જોવું પડશે કે વાઈસ કેપ્ટનને બહાર બેસાડવો કેટલો યોગ્ય છે. જો ગિલ અને અભિષેક ઓપનિંગ કરે છે, તો સંજુને ત્રીજા નંબર પર અથવા મિડલ ઓર્ડરમાં મોકલવો પડશે. આવી સ્થિતિમાં સમગ્ર બેટિંગ ક્રમ બદલવો પડશે.
સંજુ છઠ્ઠા નંબર પર
સામાન્ય રીતે તિલક ત્રીજા નંબર પર, કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર અને હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર આવે છે. સંજુને છઠ્ઠા નંબર પર મોકલવાનો કોઈ ફાયદો નથી. આવી સ્થિતિમાં, અક્ષર પટેલ સાતમા નંબર પર આવશે. બીજો વિકલ્પ એ છે કે ગિલ અને અભિષેકને ઓપનિંગ કરાવો અને જીતેશને વિકેટકીપર તરીકે રમાડો, જે મધ્યમ ક્રમમાં બેટિંગ કરે છે.
આવી સ્થિતિમાં સંજુને બહાર બેસવું પડશે. જોકે, અત્યાર સુધી ટીમ મેનેજમેન્ટ ગિલ અને સંજુને ટીમમાં એકસાથે રમવાનો કોઈ ઉકેલ શોધી શક્યું નથી. ટીમ મેનેજમેન્ટનો એક વિચાર એ છે કે જો સંજુ ઓપનર તરીકે આવે છે અને રન બનાવે છે અને ગિલ નીચે ક્રમે રન બનાવવામાં અસમર્થ રહે છે તો વાઈસ કેપ્ટન માટે તેને પ્લેઇંગ ઇલેવનમાં રાખવો મુશ્કેલ બનશે.