Asia Cup 2025: એશિયા કપ સુપર 4 ના મહત્વપૂર્ણ મુકાબલામાં, પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી. મંગળવારે અબુ ધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 134 રનનો લક્ષ્યાંક આપ્યો. પાકિસ્તાને હુસૈન તલતના અણનમ 32 અને મોહમ્મદ નવાઝના અણનમ 38 રનની મદદથી 18 ઓવરમાં 5 વિકેટે 138 રન બનાવીને 5 વિકેટથી મેચ જીતી લીધી. આમ હવે જે સમિકરણો બની રહ્યા છે તે મુજબ ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાઈ શકે છે. ફેન્સને વધુ એક મહામુકાબલો જોવા મળે તેવી શક્યાતા છે.

Continues below advertisement

 

પાકિસ્તાને સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાન વચ્ચે પહેલી વિકેટ માટે 45 રનની ભાગીદારી સાથે મજબૂત શરૂઆત કરી. ફરહાનના આઉટ થયા પછી, વિકેટો ઝડપથી પડી રહી હતી. ટીમે 80 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ હુસૈન તલત અને મોહમ્મદ નવાઝે કમાન સંભાળી અને અણનમ 58 રનની ભાગીદારી ઉમેરીને પાકિસ્તાનને 5 વિકેટથી વિજય અપાવ્યો. આ જીત સાથે, પાકિસ્તાનની એશિયા કપ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહી, જ્યારે શ્રીલંકાની આશાઓ ઠગારી નીવડી છે. શ્રીલંકા બાંગ્લાદેશ સામે પણ પોતાની પાછલી મેચ હારી ગઈ હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી. ઓપનર નિસાન્કા અને કુસલ મેન્ડિસને શાહીન આફ્રિદીએ અનુક્રમે 8 અને 0 રન બનાવીને આઉટ કર્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા કુસલ પરેરાને હરિસ રૌફે 12 બોલમાં 15 રન બનાવીને આઉટ કર્યા. ચોથા નંબર પર બેટિંગ કરી રહેલા કેપ્ટન ચરિથ અસલંકા 19 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો. ભૂતપૂર્વ કેપ્ટન શનાકા 0 રન બનાવીને આઉટ થયો. હસરંગાએ 15 રન બનાવ્યા.

કમિન્ડુ મેન્ડિસ અને ચમિકા કરુણારત્નેએ સાતમી વિકેટ માટે 43 રન ઉમેરીને ટીમનો સ્કોર 123 સુધી પહોંચાડ્યો. કમિન્ડુ મેન્ડિસે અડધી સદી ફટકારી, 44 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા. ચમિકા કરુણારત્નેએ 17 રન બનાવ્યા. મેન્ડિસની અડધી સદીની મદદથી શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન બનાવ્યા.

શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી. હુસૈન તલાતે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી. હરિસ રઉફે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી, અને અબરાર અહેમદે 4 ઓવરમાં માત્ર 8 રન આપીને 1 વિકેટ લીધી.