દુબઈમાં એશિયા કપ 2025ની મેચમાં રવિવારે (14 સપ્ટેમ્બર) પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને ભારતે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ અંગે ભારતમાં 'બહિષ્કાર' કરવાની અપીલ કરવામાં આવી હતી. ટોસ દરમિયાન અને મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને નજરઅંદાજ કર્યો હતો અને એકબીજા સાથે હાથ પણ મિલાવ્યો નહોતો.
મેચ પછી એવોર્ડ સેરેમનીમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા સૂર્યાએ કહ્યું હતું કે આ જીત 'દેશ માટે એક મહાન ભેટ' છે. કેપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ અને આજની જીત સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું. સૂર્યાએ કહ્યું હતું કે - અમારી સરકાર અને બીસીસીઆઈ સંપૂર્ણપણે એકમત હતા. અમે નક્કી કર્યું કે અમે ફક્ત રમત રમવા માટે આવ્યા છીએ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. બીજી તરફ, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના સમારોહમાં હાજર રહ્યો નહોતો.
પાકિસ્તાનના વ્હાઇટ-બોલ હેડ કોચ માઇક હેસને કહ્યું હતું કે પાકિસ્તાનના કેપ્ટન સમારોહમાં ગયો ન હતો કારણ કે મેચના અંતે ભારતીય ટીમનું વર્તન 'નિરાશાજનક' હતું. હેસને કહ્યું હતું કે - અમે મેચના અંતે હાથ મિલાવવા અને મૈત્રીપૂર્ણ વાતચીત કરવા માટે સ્પષ્ટપણે ઉત્સાહિત હતા, પરંતુ તે થયું નહીં.
પીસીબીએ રેફરી સમક્ષ વિરોધ નોંધાવ્યો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ડોન ડોટ કોમને પુષ્ટી કરી હતી કે પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમના અયોગ્ય વર્તન સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. PCB એ કહ્યું - મેનેજર ચીમાએ મેચ રેફરીના વર્તન સામે પણ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે, કારણ કે તેમણે બંને કેપ્ટનોને ટોસ દરમિયાન હાથ ન મિલાવવા વિનંતી કરી હતી.
ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચમાં શું થયું?
મેચની શરૂઆતમાં ભારતના સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાનની ટીમ પ્રથમ ઇનિંગમાં સંઘર્ષ કરી રહી હતી અને ફક્ત 127 રન જ કરી શકી હતી. પાકિસ્તાનની ખરાબ સ્થિતિમાં શાહીન આફ્રિદી અંતમાં આવ્યો અને 16 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેષ્ઠ બોલર કુલદીપ યાદવ હતો, જેણે 3 વિકેટ લીધી અને ફક્ત 19 રન આપ્યા. અક્ષર પટેલે પણ 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહની ઝડપી બોલિંગે પણ સારો સાથ આપ્યો હતો.
બાદમાં અભિષેક શર્મા (31 રન, 13 બોલ) ની વિસ્ફોટક બેટિંગ અને કેપ્ટન સૂર્યા (47 રન, 37 બોલ)ની મદદથી ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. તિલક વર્માએ પણ 31 રન બનાવ્યા હતા.