નવી દિલ્હી: બાંગ્લાદેશની ટીમ એશિયા કપમાં તેની પ્રથમ મેચ મંગળવાર 30 ઓગસ્ટના રોજ રમશે. આજે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે  મેચ રમાશે. શારજાહમાં યોજાનારી આ મેચમાં બાંગ્લાદેશ વિજયી શરૂઆત કરવા ઉતરશે જ્યારે અફઘાનિસ્તાન સતત બીજી જીત મેળવવાનો પ્રયાસ કરશે. અફઘાનિસ્તાને એશિયા કપમાં શ્રીલંકાને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી.


બાંગ્લાદેશી ટીમ પણ અફઘાનિસ્તાન સામે ટી20 ફોર્મેટમાં પોતાનો રેકોર્ડ સુધારવા માંગશે. બાંગ્લાદેશની કમાન શાકિબ અલ હસનના હાથમાં છે. બાંગ્લાદેશ ગયા વર્ષે વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટમાં 13માંથી માત્ર 2 મેચ જીતી શક્યું છે. જોકે અફઘાનિસ્તાનના ઝડપી બોલરોનો સામનો કરવો તેના માટે આસાન નહીં હોય.


સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબીની કપ્તાની હેઠળ અફઘાનિસ્તાને એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી અને નવીનુલ હકે છેલ્લી મેચમાં શ્રીલંકાના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. શ્રીલંકાએ જીતવા માટે 105 રનનો પડકાર આપ્યો હતો જેને અફઘાનિસ્તાને 10.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મેહદી હસને મેચ પહેલા કહ્યું હતું કે તેમની ટીમ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાના દાવાને મેદાન પર જવાબ આપશે, જેમણે અફઘાનિસ્તાનને તેમની ટીમ કરતા વધુ સારું રેટ કર્યું છે. “આ ટીમ સારી છે કે તે ટીમ ખરાબ છે તે અંગે અમે ટિપ્પણી કરવા માંગતા નથી. તે મેદાનમાં સાબિત થશે. એક સારી ટીમ જો ખરાબ રમે તો હારી શકે છે અને ખરાબ ટીમ સારી રીતે રમે તો જીતી શકે છે. કોઈપણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દર્શાવે છે કે અમે ક્યાં જઈશું અને અમે કેવી રીતે રમીશું કારણ કે તે ટીમની દિશા નક્કી કરે છે. શારજાહ દ્વારા આયોજિત આ પ્રથમ મેચ હશે. આ પહેલા બંને મેચ દુબઈમાં રમાઈ હતી.


અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન


હઝરતુલ્લાહ ઝઝઇ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝારદાન, નજીબુલ્લાહ ઝારદાન, કરીમ જનત, ઉસ્માન ગની, મોહમ્મદ નબી (કેપ્ટન), રાશિદ ખાન, અજમતુલ્લાહ ઉમરઝઈ, નવીન-ઉલ હક, મુજીબ ઉર રહેમાન અને ફઝલહક ફારૂકી


બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન


મોહમ્મદ નઈમ, અનામુલ હક, શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, મુશફિકુર રહીમ , મહમુદુલ્લાહ, શબ્બીર રહેમાન, મેહદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, મુસ્તફિઝુર રહેમાન અને નસુમ અહેમદ.