Asia Cup History: એશિયા કપ 2023 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. તેની પ્રથમ મેચ 30 ઓગસ્ટે રમાશે જ્યારે ફાઇનલ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. આ વખતે એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઇબ્રિડ મોડલના આધારે રમાશે. એટલે કે કુલ 13 મેચોમાંથી 4 મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે.
આ બધાની વચ્ચે જે મેચની ચાહકો સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે તે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચ છે. આ શાનદાર મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. એશિયા કપ ક્યારે અને ક્યાં રમાશે તે તો તમને ખબર જ હશે.
એશિયા કપની કેવી રીતે થઇ શરૂઆત?
પરંતુ પ્રશંસકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસપણે થશે કે એશિયા કપ ક્યારે, કેવી રીતે અને કયા સંજોગોમાં શરૂ થયો હશે? નોંધનીય છે કે એશિયા કપની શરૂઆત ખૂબ જ અનોખી રીતે થઈ હતી. આ વિશે જાણીને તમે એમ પણ કહી શકો છો કે તે ગુસ્સામાં અને બદલો લેવાના ઉદેશ્યથી શરૂ થયો હતો.
વાસ્તવમાં એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી. વાસ્તવમાં એનકેપી સાલ્વે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ હતા. વિઝડન અનુસાર, સાલ્વે 25 જૂન 1983ના રોજ લોર્ડ્સમાં રમાયેલા વન-ડે વર્લ્ડકપની ફાઈનલ સ્ટેન્ડ પરથી જોવા માંગતા હતા પરંતુ તેમને ટિકિટ મળી નહોતી.
નારાજ BCCI પ્રમુખ સાલ્વેએ લીધા શપથ!
આ જોઈને સાલ્વે નારાજ થઈ ગયા અને તેઓ ગુસ્સે થયા હતા. પરંતુ તેણે પોતાનો ગુસ્સો અલગ રીતે વ્યક્ત કર્યો. સાલ્વેએ નક્કી કર્યું કે હવે તે ઈંગ્લેન્ડની બહાર વર્લ્ડ કપ લઇ જશે. આ કાર્ય એટલું સરળ પણ નહોતું. સાલ્વે આ વાત સારી રીતે જાણતા હતા.
આ માટે સાલ્વેએ પૂરી તાકાત લગાવી હતી. તેમણે તે સમયના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નૂર ખાન સાથે વાત કરી અને તેને પોતાની સાથે લીધા હતા. આ પછી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડા ગામિની દિસાનાયકેનો પણ સાથ મળ્યો હતો. આ પછી નવી દિલ્હીમાં 19 સપ્ટેમ્બર 1983ના રોજ એશિયન ક્રિકેટ કોન્ફરન્સ (ACC) ની રચના કરવામાં આવી. હવે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ તરીકે ઓળખાય છે.
પાકિસ્તાન અને શ્રીલંકાનો સાથ લઇ કરાઇ શરૂઆત
આ સંગઠનમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને સિંગાપોર પણ સામેલ હતા. તે સમયે માત્ર ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા ICCના સંપૂર્ણ સભ્ય હતા. આ પછી એશિયામાં ACCની રચના થઈ અને બાદમાં ક્રિકેટની તાકાત વહેંચાઇ ગઇ. અગાઉ તેની સંપૂર્ણ સત્તા માત્ર ICC પાસે હતી. એક રીતે આપણે કહી શકીએ કે ACC એ ક્રિકેટમાં ICC ને પડકારવાનું શરૂ કર્યું.
ACC બન્યા બાદ તેણે એશિયા કપ ટૂર્નામેન્ટ શરૂ કરીને ICCને પહેલો પડકાર આપ્યો. આ ટુર્નામેન્ટમાં માત્ર એશિયન ટીમોને જ રમવાની મંજૂરી આપવામાં આવી હતી. એશિયા કપની પ્રથમ સીઝન 1984માં આયોજિત કરવામાં આવી હતી. આ પ્રથમ સીઝન વન-ડે ફોર્મેટમાં રમાઈ હતી, જેનું આયોજન UAE દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રથમ સીઝનમાં ભારત જીત્યું હતું. ત્યારથી આ ટુર્નામેન્ટમાં માત્ર ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. આવી સ્થિતિમાં તમે કહી શકો કે એનકેપી સાલ્વેના ગુસ્સા અને બદલાના કારણે એશિયા કપની શરૂઆત થઈ.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે
એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સીઝન રમાઇ છે જેમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઈટલ જીત્યા છે. જ્યારે બીજા નંબર પર શ્રીલંકા છે જેણે 6 વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) ચેમ્પિયન ટાઇટલ જીત્યા છે. પાકિસ્તાન માત્ર બે વાર જ ટાઈટલ જીતી શક્યું (2000, 2012) છે.