Asia Cup 2025: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. રવિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 8 વિકેટે શરમજનક હાર મળ્યા બાદ ભારત માટે સેમિફાઇનલની રાહ થોડી મુશ્કેલ બની છે. પાકિસ્તાને ગ્રુપ B માંથી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, પરંતુ બીજા સ્થાન માટે ભારત અને ઓમાન વચ્ચે જોરદાર રસાકસી છે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ જશે કે ટોપ-4 માં સ્થાન મેળવશે, તેનો નિર્ણય હવે આગામી મેચ પર નિર્ભર છે. અહીં જાણો ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલનું પૂરું ગણિત.

Continues below advertisement

ગ્રુપ B નું પોઈન્ટ ટેબલ અને ભારતની સ્થિતિ

ગ્રુપ B ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. પાકિસ્તાન A ટીમે અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં શાનદાર વિજય મેળવીને 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે અને તેઓ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. બીજી તરફ, ટીમ ઈન્ડિયાએ બે મેચ રમી છે, જેમાં એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં ભારત 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ઓમાન અને UAE અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ભારત માટે ખતરો હજુ ટળ્યો નથી કારણ કે ઓમાન પણ રેસમાં બરાબરનું છે.

Continues below advertisement

સેમિફાઇનલ માટેનું 'કરો યા મરો' સમીકરણ

ભારત માટે હવે સમીકરણ ખૂબ જ સરળ છતાં દબાણયુક્ત છે. ભારત અને ઓમાન બંને પાસે હાલમાં 2-2 પોઈન્ટ છે. આ બંને ટીમો 18 નવેમ્બરના રોજ એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ મુકાબલો વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ જેવો બની રહેશે.

જો ભારત જીતે: તો ભારત 4 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરશે.

જો ઓમાન જીતે: તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે અને ઓમાન સેમિફાઇનલમાં પ્રવેશશે. ટુંકમાં, આવતીકાલની મેચ ભારત માટે નોકઆઉટ મેચ સમાન છે.

વૈભવ સૂર્યવંશીનું ફોર્મ એકમાત્ર આશા

ટીમ ઈન્ડિયા ભલે પાકિસ્તાન સામે હારી ગઈ હોય, પરંતુ યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન આખા ટુર્નામેન્ટમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ખેલાડીએ અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં 94.50 ની સરેરાશથી કુલ 189 રન ફટકાર્યા છે. UAE સામેની મેચમાં વૈભવે તોફાની બેટિંગ કરતા માત્ર 32 બોલમાં સદી ફટકારી હતી અને કુલ 42 બોલમાં 144 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે પણ જ્યારે આખી ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે તેણે 45 રનની લડાયક ઇનિંગ રમી હતી. ઓમાન સામેની મહત્વની મેચમાં પણ ટીમ ઈન્ડિયાની જીતનો મોટો આધાર વૈભવના પ્રદર્શન પર રહેશે.