એશિયન લિજેન્ડ્સ લીગ 2025ની એલિમિનેટર મેચમાં શ્રીલંકા લાયન્સના બેટ્સમેન થિસારા પરેરાએ અફઘાનિસ્તાન પઠાણ ટીમ સામે બેટિંગમાં તોફાન મચાવી દીધું હતું. પરેરાએ માત્ર 36 બોલમાં અણનમ 108 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં તેમણે એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો.
શ્રીલંકા લાયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 230 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. તેમની શરૂઆત થોડી ધીમી રહી હતી, પરંતુ ત્યારબાદ પરેરા અને માવેન ફર્નાન્ડોએ મળીને 155 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન થિસારા પરેરાએ અફઘાનિસ્તાનના બોલરોની ધુલાઈ કરી હતી અને માત્ર 36 બોલમાં 108 રન ફટકાર્યા હતા. તેમની આ ઇનિંગમાં 13 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.
પરેરાએ (Thisara Perera) અફઘાનિસ્તાનના બોલર અયાન ખાનની 20મી ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. આ ઓવરનો પહેલો બોલ વાઈડ હતો, ત્યારબાદ પરેરાએ સતત ત્રણ બોલમાં છગ્ગા ફટકાર્યા હતા. દબાણમાં આવેલા ખાને ફરી એક વાઈડ બોલ નાખ્યો અને ત્યારબાદ પરેરાએ ફરીથી સિક્સર ફટકારી. અંતિમ બે બોલ પર પણ પરેરાએ બે છગ્ગા ફટકારીને એક ઓવરમાં 6 સિક્સરનો અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
માવેન ફર્નાન્ડોએ પણ પરેરાને સારો સાથ આપ્યો હતો અને 56 બોલમાં અણનમ 81 રનની ઇનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો.
જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન જ બનાવી શકી હતી અને શ્રીલંકા લાયન્સે આ મેચ 26 રનથી જીતી લીધી હતી. અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર અફઘાને 31 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 8 છગ્ગાનો સમાવેશ થતો હતો, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યા નહોતા.
આ જીત સાથે શ્રીલંકા લાયન્સ એશિયન લિજેન્ડ્સ લીગના ક્વોલિફાયર 2માં પહોંચી ગઈ છે. આ પહેલા આજે ક્વોલિફાયર 1 મેચ ભારતીય રોયલ્સ અને એશિયન સ્ટાર્સ વચ્ચે ઉદયપુરના મિરાજ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ ચાહકો આ મેચની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થિસારા પરેરાની આ ધમાકેદાર ઇનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટપ્રેમીઓ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.