Australia vs New Zealand World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને 5 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 388 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ  383 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી.


ન્યુઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રની શાનદાર સદી


ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરી રહેલી ન્યુઝીલેન્ડની ટીમ માટે રવિન્દ્ર નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 89 બોલનો સામનો કરીને 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. રવિન્દ્રની આ સદી તેના માટે ઘણી ખાસ હતી. રચિન રવીન્દ્રએ 89 બોલમાં 116 રનની ઇનિંગ રમી હતી. તેણે 77 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ODI કારકિર્દીની બીજી સદી છે. બંને સદી વર્લ્ડ કપમાં આવી હતી. રચિન વર્લ્ડ કપમાં 24 વર્ષથી ઓછી ઉંમરમાં બે સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટર બન્યો હતો. તેના પહેલાં માત્ર સચિન તેંડુલકર જ આ કરી શક્યો હતો. રવિન્દ્રની સાથે ડેરીલ મિશેલે પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે અડધી સદી ફટકારી હતી. મિશેલે 51 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ડેવોન કોનવે 28 રન બનાવીને આઉટ થયો હતો અને વિલ યંગ 32 રન બનાવીને આઉટ થયો હતો.


 






વોર્નર હેડનું તોફાની પ્રદર્શન 


ધર્મશાલામાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. જ્યારે ડેવિડ વોર્નરે 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બંને ઓપનિંગ કરવા આવ્યા હતા અને ટીમને જોરદાર શરૂઆત અપાવીને પેવેલિયન પરત ફર્યા હતા. હેડે 67 બોલમાં 109 રન બનાવ્યા હતા. વોર્નરે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 36 રન બનાવીને આઉટ થયો હતો. જો ઇંગ્લિશએ 38 રનની મહત્વની ઇનિંગ રમી હતી. કેપ્ટન પેટ કમિન્સે 14 બોલમાં 37 રન બનાવ્યા હતા.


ફિલીપ અને બોલ્ટની 3-3 વિકેટ


ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. બોલ્ટે 10 ઓવરમાં 77 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સેન્ટનરે 10 ઓવરમાં 80 રન આપીને વિકેટ લીધી હતી. નીશમ અને મેટ હેનરીએ એક-એક વિકેટ લીધી હતી.