AUS vs SA Women Semi-Final, Women T20 World Cup 2024: મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ ગુરુવારે (17 ઓક્ટોબર) દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. રોમાંચક મેચમાં આફ્રિકાની ટીમે 8 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આફ્રિકાએ મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.






મહિલા ટી-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ શુક્રવારે (18 ઓક્ટોબર) ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે રમાશે. જે ટીમ આ મેચ જીતશે તેનો મુકાબલો ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે (20 ઓગસ્ટ) દુબઈમાં રમાશે.






6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બીજી વખત બહાર


આ વખતે મહિલા T20 વર્લ્ડ કપમાં કંઈક એવું બન્યું છે જે અગાઉ એટલે કે 2009ની સીઝનમાં થયું હતું. વાસ્તવમાં 2009થી અત્યાર સુધીમાં 8 મહિલા T20 વર્લ્ડ કપ રમાયા છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાએ 6માં જીત મેળવી છે. એકવાર તેને 2016ની સીઝનની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


જ્યારે 2009ની સીઝનમાં ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. આ પછી આ બીજી વખત બન્યું છે જ્યારે કાંગારુ ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે દક્ષિણ આફ્રિકાની ટીમે ઈતિહાસ રચ્યો છે.


આ રીતે આફ્રિકાએ કાંગારૂઓને હરાવ્યા હતા


મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમે 5 વિકેટે 134 રન બનાવ્યા હતા. ટીમ તરફથી વિકેટકીપર બેટ્સમેન બેથ મૂનીએ સૌથી વધુ 44 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એલિસ પેરીએ 31 રન અને કેપ્ટન તાહિલા મેકગ્રાએ 27 રન બનાવ્યા હતા.


135 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે એની બોશે 48 બોલમાં 74 રનની સૌથી વધુ અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 42 રન બનાવ્યા હતા.