WTC Final 2025 Squad:  ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ કુલ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કનો પણ સમાવેશ થાય છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 માટે ભારત પાછા ફરવું તેમના માટે મુશ્કેલ છે.

WTC 2025 ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર. બ્રેન્ડન ડોગેટ (ટ્રાવેલિંગ રિઝર્વ).

પેટ કમિન્સ (SRH), ટ્રેવિસ હેડ (SRH), જોશ હેઝલવુડ (RCB), જોશ ઇંગ્લિસ (PBKS), મિશેલ સ્ટાર્ક (DC) આઇપીએલમાં અલગ અલગ ટીમનો ભાગ છે. ICC WTC ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 થી 15 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

ભારત-પાકિસ્તાન તણાવને કારણે સ્થગિત કરાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 17 મેથી ફરી શરૂ થઈ રહી છે. પહેલી મેચ બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાશે. એક મોટો પ્રશ્ન એ હતો કે શું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બાકીની મેચો માટે ભારત પરત ફરશે? કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 11 જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, "ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓના વ્યક્તિગત નિર્ણયમાં સમર્થન આપશે કે તેઓ ભારત પાછા ફરવા માંગે છે કે નહીં." પંજાબ કિંગ્સ પાસે હાલમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. પંજાબની સાથે, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું પ્રદર્શન આ સીઝનમાં શાનદાર રહ્યું છે. તેમની વાપસી નહી થાય તો ટીમની જીત કે હાર પર અસર કરી શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "ટીમ મેનેજમેન્ટ બાકીના IPL મેચોમાં રમવાનું પસંદ કરનારા ખેલાડીઓ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની તૈયારી પર કામ કરશે. અમે સુરક્ષા વ્યવસ્થા અને સલામતી અંગે ઓસ્ટ્રેલિયન સરકાર અને BCCI સાથે સંપર્કમાં છીએ."