Australia highest run chase: ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડને 5 વિકેટથી પરાજય આપીને ક્રિકેટ ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા સામે 352 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ હિંમત હાર્યા વિના માત્ર 47.3 ઓવરમાં લક્ષ્ય પાર પાડીને ઐતિહાસિક જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં વિકેટકીપર બેટ્સમેન જોશ ઇંગ્લિસે અણનમ 120 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, જેણે ટીમને વિજયના શિખરે પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં આ પહેલા ક્યારેય આટલો મોટો સ્કોર ચેઝ થયો નહોતો. ઇંગ્લેન્ડે મેચમાં પ્રથમ બેટિંગ કરીને 351 રન બનાવ્યા હતા, જે પોતે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્કોર હતો. જોકે, ઇંગ્લેન્ડનો આ રેકોર્ડ થોડા કલાકો પૂરતો જ સીમિત રહ્યો, કારણ કે ઓસ્ટ્રેલિયાએ 48મી ઓવરમાં આ લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ પહેલા, ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ શ્રીલંકાના નામે હતો, જેણે 2017માં ભારત સામે 322 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો.


મેચની વાત કરીએ તો, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં બે સદી અને ત્રણ અડધી સદી જોવા મળી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના બેન ડકેટે ૧૬૫ રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી અને ટીમને 351 રન સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ઇનિંગ્સ સાથે બેન ડકેટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે પણ 68 રનનું યોગદાન આપ્યું હતું.


જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 352 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે જોશ ઇંગ્લિસ ઓસ્ટ્રેલિયા માટે સંકટમોચક બનીને આવ્યો હતો. તેણે અણનમ 120 રનની ઇનિંગ રમી અને ટીમને જીત અપાવી હતી. જોશ ઇંગ્લિસ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના બે અન્ય બેટ્સમેનોએ પણ અડધી સદી ફટકારી હતી. મેથ્યુ શોર્ટે 63 રન અને એલેક્સ કેરીએ 69 રનનું યોગદાન આપ્યું હતું. ગ્લેન મેક્સવેલે પણ છેલ્લી ઓવરોમાં 15 બોલમાં ઝડપી 32 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


આ મેચ ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચક મુકાબલો સાબિત થયો, જેમાં બેટ અને બોલ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર ચેઝ કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો અને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી.


આ પણ વાંચો....


ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, સ્ટાર ખેલાડી અચાનક માંદો પડતાં ચિંતાના વાદળો ઘેરાયા