સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ઇમોશન થઇ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ વીડિયો શેર કર્યો હતો.

નોંધનીય છે કે ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે  મોહમ્મદ સિરાજે ઓપનર ડેવિડ વોર્નરને પાંચ રને  પેવેલિયન ભેગો કરી ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી. મહત્વનું છે કે મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. સિરાજ યુએઇમાં આઇપીએલમાં રમ્યા બાદ સીધો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. દરમિયાન તેમના પિતાનું નિધન થયું હતુ પરંતુ  ક્વોરેન્ટાઇન પિરિયડને કારણે સિરાજ પિતાના અંતિમસંસ્કારમાં સામેલ થઇ શક્યો નહોતો.