T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયાએ 6 જૂને રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) મેચમાં ઓમાનને 39 રનથી હરાવ્યું હતું. બ્રિજટાઉનમાં રમાયેલી આ મેચમાં પ્રથમ રમતા ઓસ્ટ્રેલિયાની (Australia ) ટીમ પાંચ વિકેટના નુકસાન પર 164 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી ગયું હોવા છતાં ઓમાનની (Oman) ટીમે પોતાના પ્રદર્શનથી દિલ જીતી લીધું હતું. ખાસ કરીને તેમના બોલરોએ અદભૂત બોલિંગ કરી હતી.






ઑસ્ટ્રેલિયાની જીતમાં હીરો માર્કસ સ્ટોઇનિસ હતો, જેણે પહેલા આક્રમક બેટિંગ કરી 67 રન કર્યા હતા જ્યારે બાદમાં તેણે બોલિંગમાં પણ સારુ પ્રદર્શન કર્યું અને 3 વિકેટ લીધી હતી.


ઓમાનની ટીમની બોલિંગ સારી રહી હતી.  જેના કારણે ઓસ્ટ્રેલિયા જેવી ટીમ મોટો સ્કોર બનાવવામાં ચુકી ગઈ હતી. ઓમાનના બોલરોએ ખૂબ જ સારી બોલિંગ કરી હતી. ઓમાન માટે સૌથી સફળ બોલર મેહરાન ખાન રહ્યો, જેણે 4 ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી. આકિબ ઇલિયાસે ખૂબ જ સારી બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. જોકે તેને કોઈ સફળતા મળી ન હતી.


આ મેચમાં ઓમાનના કેપ્ટન આકિબ ઇલિયાસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો આ નિર્ણય એક સમયે સાચો સાબિત થયો હતો. IPLમાં ધૂમ મચાવનાર ટ્રેવિસ હેડ માત્ર 12 રને બિલાલ ખાનના બોલ પર કેચ આઉટ થયો હતો.


આ પછી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરે સાવચેતીપૂર્વક રમવાનું શરૂ કર્યું અને બંનેએ સ્કોરબોર્ડને 50 રન સુધી પહોંચાડ્યું. આ જ સ્કોર પર મિશેલ માર્શ 14 રન બનાવીને મેહરાન ખાનના બોલ પર શોએબ ખાનના હાથે કેચ આઉટ થયો હતો, ત્યારપછી બીજા જ બોલ પર ગ્લેન મેક્સવેલ (0) પણ આઉટ થયો હતો.


મેક્સવેલ આઉટ થતા જ ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 50 રન થઇ ગયો હતો. અહીંથી એવું લાગતું હતું કે કાંગારૂ ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, પરંતુ અહીંથી માર્કસ સ્ટોઈનિસ (67 અણનમ, 36 બોલ) અને ડેવિડ વોર્નરે (56 રન, 51 બોલ) સારી બેટિંગ કરી હતી. સ્ટોઇનિસે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા હતા. ઓમાન માટે સૌથી સફળ બોલર મેહરાન ખાન રહ્યો, જેણે 4 ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી.


જવાબમાં ઓમાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી અયાન ખાન સૌથી સફળ બેટ્સમેન રહ્યો, જેણે 30 બોલમાં 36 રન બનાવ્યા. તે સિવાય મેહરાન ખાને 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝમ્પાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે માર્કસ સ્ટોઈનિસ 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લઈને સૌથી સફળ બોલર રહ્યો હતો.