T20 World Cup 2024: વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં મોટાભાગની ટીમોએ ઓછામાં ઓછી એક-એક મેચ રમી ચૂકી છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ અને સ્કૉટલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે ગૃપ બીમાં સુપર-8માં જવાનું સમીકરણ બગડતું જોવા મળી રહ્યું છે. ગૃપ બીમાં નામીબિયા અત્યારે 2 પોઈન્ટ સાથે ટોપ પર છે તો બીજીબાજુ મેચ રદ્દ થવાના કારણે ઈંગ્લેન્ડ અને સ્કૉટલેન્ડને એક-એક પોઈન્ટ મળ્યા છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાવાની છે, જેમાં જો તે હારી જશે તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે સુપર-8માં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે.


શું ઇંગ્લેન્ડ થઇ જશે બહાર ?
2022 T20 વર્લ્ડકપની વિજેતા ટીમ પાસે હજુ એક પોઈન્ટ છે અને તેણે 8 જૂને ઓસ્ટ્રેલિયા સામે તેની આગામી મેચ રમવાની છે. જૉસ બટલરની કેપ્ટનશીપ હેઠળની આ મેચમાં જો ઇંગ્લિશ ટીમ હારે છે, તો તેના 2 મેચમાં માત્ર એક જ પોઇન્ટ રહેશે. તે પછી, જો ઇંગ્લેન્ડ બાકીની 2 મેચ જીતે છે તો તેના કુલ 5 પોઈન્ટ થઈ જશે. નામીબિયાની ટીમે પ્રથમ મેચમાં જ બતાવી દીધું હતું કે તેના ખેલાડીઓ હાર સ્વીકારવા બિલકુલ તૈયાર નથી. આ સાથે જ સ્કૉટલેન્ડની બેટિંગે પણ ઈંગ્લેન્ડ સામે ધાર બતાવી હતી. તેથી, જો નામિબિયા અને સ્કોટલેન્ડની કોઈપણ ટીમ ગ્રુપ સ્ટેજની મેચોના અંત સુધીમાં વધુ 2 મેચ જીતવામાં સફળ થાય છે, તો ઈંગ્લેન્ડ માટે ખતરાની ઘંટડી વાગી જશે. ઓસ્ટ્રેલિયા અત્યારે સુપર-8માં જવા માટે આ ગ્રુપમાં સૌથી મોટી દાવેદાર છે, પરંતુ સ્કોટલેન્ડ સામેની મેચ રદ્દ થવાના કારણે ઈંગ્લિશ ટીમ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઇંગ્લેન્ડ પહેલેથી જ મૂંઝવણમાં ફસાયેલું છે અને જો તે સુપર-8માં જવાની પોતાની આશા જીવંત રાખવા માંગે છે તો તેણે ઓસ્ટ્રેલિયાને કોઈપણ ભોગે હરાવવું પડશે.


પહેલા પણ જો-તો ના ચક્કરમાં ફસાઇ ચૂકી છે ઇંગ્લેન્ડ 
ટી-20 વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી ત્યારથી વધુ સમય નથી ગયો. ગત વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ માટે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી હતું કારણ કે અગાઉની મેચમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડને 5 રને હરાવ્યું હતું. ગત વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની સ્થિતિ એવી હતી કે તે 3 મેચમાં માત્ર 3 પોઈન્ટ જ બનાવી શક્યું હતું. તેમ છતાં, જૉસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ટીમે ગૃપ સ્ટેજની આગામી બે મેચો જીતીને નૉકઆઉટ તબક્કામાં જગ્યા બનાવી અને ફાઇનલમાં પહોંચી. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી.