નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝિલેન્ડને ત્રીજી અને અંતિમ વનડેમાં 232 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાની ન્યૂઝિલેન્ડ પર વનડેમાં આ સૌથી મોટી જીત છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 325 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 27 ઓવરમાં 100 રન પણ બનાવી શકી નહોતી અને 93 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પુરુષ ટીમની બરાબરી કરી લીધી છે. આ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની વનડેમાં સતત 21મી જીત છે અને રિકી પોન્ટિંગની પુરુષ ઓસ્ટ્રેલિયાઈ ટીમે પણ સતત 21 વનડે જીત મેળવી હતી.

મેગ લેનિંગની ટીમનું નેતૃત્વ સંભાળી રહેલી રચેલ હાયનેસે ઓસ્ટ્રેલિયા માટે 96 અને એલિસા હિલીએ 87 રનના યોગદાનથી ટીમનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રચેલે 104 બોલમાં 10 ફોર અને 2 સિક્સ માર્યા હતા. હિલીએ 87 બોલમાં 13 ફોર અને 1 સિક્સ મારી હતી.