નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ શનિવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી દીધું, મેચની અંતિમ ઓવર ગુજરાતી ખેલાડીઓના નામે રહી, ગુજરાતી બેટ્સમેન સામે ગુજરાતી બૉલર આમને સામને ટકરાયા હતા.

અંતિમ ઓવરમાં દિલ્હીના બેટ્સમેન અક્ષર પટેલ જે ગુજરાતનો છે, અને સીએસકેનો બૉલર રવિન્દ્ર જાડેજા તે પણ ગુજરાતનો છે. અક્ષર પટેલ ડૉમેસ્ટિક મેચો ગુજરાતની ટીમમાંથી રમે છે. 26 વર્ષીય અક્ષર પટેલ ગુજરાતના આણંદનો મૂળ વતની છે, અને ગુજરાતની ટીમમાંથી ઓલરાઉન્ડર તરીકે રમે છે.

અંતિમ ઓવરમાં અક્ષર પટેલની ધમાલ
દિલ્હીને અંતિમ ઓવરોમાં 17 રનોની જરૂર હતી, અને રવિન્દ્ર જાડેજાની પાસે બૉલિંગ હતી, પહેલો બૉલ વાઇડ રહ્યો, પછી પહેલા લીગગ બૉલ પર ધવને સિંગલ લીધો. આ પછી તો અક્ષર પટેલે ધમાલ મચાવી દીધી. તેને બીજા બૉલ પર સ્લૉગ સ્વિપ્સ પર છગ્ગો ફટકાર્યો, જ્યારે ત્રીજા બૉલ પર લૉન્ગ ઓફ પર બીજો છગ્ગો ફટકાર્યો, ચોથા બૉલ પર બે રન લીધા, અને પાંચમા બૉલ પર ફરીથી એક છગ્ગો ફટકાર્યો હતો, આમ અક્ષર પટેલે મેચમાં ધમાલ મચાવી અને દિલ્હીને સીએસકે સામે જીત અપાવી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીએ એક બોલ બાકી રાખતા ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર બેટ્સમેન શિખર ધવને અણનમ 101 રન બનાવ્યા હતા. આઈપીએલ કેરિયરમાં ધવનની આ પ્રથમ સદી છે. શ્રેયસ અય્યરે 23 રન અને સ્ટોઈનીસે 24 રન બનાવ્યા હતા.