ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ રમાશે. મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલે ડેબ્યૂ કર્યું છે. ભારતીય ટીમમાં બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. જ્યારે વોશિંગ્ટન સુંદરના સ્થાને કુલદીપ યાદવને સામેલ કરાયો છે. ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે.


વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી હતી અને કોચ રવિ શાસ્ત્રીએ ગળે લગાડ્યો હતો. અક્ષર પટેલ હાલ ગુજરાતની ટીમનો કેપ્ટન છે અને આ પહેલા તે ટી-20 અને વન ડેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. અક્ષર પટેલ ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 302મો ખેલાડી બન્યો છે.

અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994માં ગુજરાતના નદિયાદમાં થયો હતો. અક્ષર ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત માટે રમે છે. 2014ની આઈપીએલમાં અક્ષરે શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યાર બાદ તેણે બાંગ્લાદેશના પ્રવાસ પર વનડે ટીમમાં સ્થાન મળ્યું.


2014ની આઈપીએલમાં અક્ષરને ઇમર્જિંગ પ્લેટર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. 15 જૂન 2014ના રોજ અક્ષરે વનડેમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. અક્ષરે અત્યાર સુધીમાં ભારત માટે 38 વનડે રમ્યો છે. આ દરમિયાન તેણે 45 વિકેટ લીધી છે અને 182 રન પણ બનાવ્યા છે.

અક્ષર 2015ના વનડે વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો હિસ્સો હતો. અક્ષરે પોતાની પ્રથમ ટી20 મેચ 2015માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમી હતી. અક્ષરે 11 ટી20 મેચમાં 9 વિકેટ લેવાની સાથે જ 68 રન પણ બનાવ્યા છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અક્ષર પટેલે 39 મેચ રમીને 1665 રન બનાવ્યા છે. જેમાં એક સેન્ચુરી સામેલ છે. સાથે જ તેણે 27.38ની સરેરાશથી 134 વિકેટ પણ લીધી છે. આ દરમિયાન તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 54 રન આપીને 7 વિકેટ રહી છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં અક્ષરે 6 વખત ઇનિંગમાં 5 વિકેટ લીધી છે.

અક્ષર આઈપીએલમાં હાલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં છે. તે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે.