ચેન્નઈ: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ આવતીકાલથી ચેન્નઈમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ પણ ચેન્નઇના એમએ ચિદમ્બરમ મેદાનમાં જ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ સીરિઝમાં વાપસી પર રહેશે સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા પર પણ રહેશે. ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પ્રવેશ માટે બે મેચ જીતવું પડશે.


ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત બાદ ઈંગ્લેન્ડે ચેન્નાઇમાં ભારતને 227 રને શરમજનક હાર આપી હતી. ઈંગ્લેન્ડે 1-0થી બઢત મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જો કે, ઉપ કેપ્ટન રહાણેએ પ્લેઈંગ ઇલેવન વિશે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું ટીમના તમામ સ્પિનરો સારા છે અને તક મળશે તો બહેતર કરશે. અક્ષર પટેલ રમવા માટે ફિટ છે.

ટીમ મેનેજમેન્ટે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, બીજી ટેસ્ટ મેચમાં નદીમની જગ્યાએ અક્ષર પટેલ પ્લેઈંગ 11માં સામેલ કરાશે.અક્ષર પટેલ ફિટ થઈ જતા વોશિંગટન સુંદર પર લટકતી તલવાર છે. વોશિંગટને પ્રથમ ટેસ્ટમાં બેટિંગમાં 85 રન બનાવ્યા પરંતુ બોલિંગમાં નિરાશ કર્યા હતા. તે એક પણ વિકેટ લેવામાં સફળ થયો નહોતો. સુંદરની જગ્યાએ કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે.

બીજી તરફ ઈંગ્લેન્ડે પોતાની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઈજાના કારણે બહાર થઈ ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડની બદલાવ નીતિના કારણે વિકેટકીપર જોસ બટલર અને ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને આરામ આપવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર/કુલદીપ યાદવ, આર.અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.

ઇંગ્લેન્ડ ટીમઃ
રૉરી બર્ન્સ, સિબ્લે, લૉરેન્સ, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, ઓલી પૉપ, બેન ફૉક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ક્રિસ વૉક્સ/ઓલી સ્ટૉન.