Babar Azam Hits His 10th T20 Century: શ્રીલંકામાં રમાઈ રહેલી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)ની વર્તમાન સીઝનમાં કોલંબો સ્ટ્રાઈકર્સ ટીમ તરફથી રમતા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે તોફાન મચાવ્યું હતું. તેણે શાનદાર સદી ફટકારી હતી. ગાલે ટાઇટન્સ સામેની મેચમાં બાબર આઝમે ટી20 ફોર્મેટમાં પોતાની 10મી સદી ફટકારી હતી.
બાબર આઝમે પોતાની સદીની મદદથી વિરાટ કોહલી, ડેવિડ વોર્નરને પણ પાછળ છોડી દીધા હતા. તેની 59 બોલમાં 104 રનની સદીની ઇનિંગ દરમિયાન બાબર આઝમે 8 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા હતા. બાબર હવે T20 ફોર્મેટમાં ક્રિસ ગેઇલ પછી બીજો એવો ખેલાડી બની ગયો છે, જેના નામે 10 કે તેથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે.
યુનિવર્સ બોસ ક્રિસ ગેઇલ T20 ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે નંબર વન પર છે. તેના નામે 22 સદી છે. આ પછી બાબર આઝમ 10 સદી સાથે બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા નંબર પર 8-8 સદી સાથે માઈકલ કલિંગર, ડેવિડ વોર્નર અને વિરાટ કોહલીના નામ સામેલ છે.
એશિયા કપ અને વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે
બાબર આઝમે અગાઉ લંકા પ્રીમિયર લીગમાં રમવા અંગે નિવેદન આપ્યું હતું કે આ લીગ દ્વારા તે આગામી એશિયા કપ અને ત્યારબાદ વર્લ્ડ કપ માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. બાબરે કહ્યું હતું કે જ્યારે પણ તમે અલગ-અલગ લીગ રમો છો ત્યારે તમને અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઘણું શીખવાની તક મળે છે. આગામી થોડા મહિનામાં એશિયામાં અમારે ઘણું ક્રિકેટ રમવાનું છે. આવી સ્થિતિમાં હું આ મોટી ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને મારી જાતને તૈયાર કરવાનો પ્રયાસ કરીશ જેથી મને દબાણમાં કેવી રીતે રમવું તેનો ખ્યાલ આવી શકે.