INDIA vs SOUTH KOREA, Highlights: એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ  દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. છેલ્લી મેચમાં ભારતે મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. હવે દક્ષિણ કોરિયાને હરાવ્યું છે. આ મેચની વાત કરીએ તો શરૂઆતથી જ ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ નીલકંઠ શર્માએ કર્યો હતો. તેણે છઠ્ઠી મિનિટે આ ગોલ કર્યો હતો. જોકે, દક્ષિણ કોરિયાએ શાનદાર રમત બતાવીને 12મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો.






આ ખેલાડીઓએ બંને ટીમો માટે ગોલ કર્યા હતા


દક્ષિણ કોરિયા માટે સુંગહ્યુન કિમે 12મી મિનિટે ગોલ કર્યો હતો. આ રીતે રમત 1-1ની બરાબરી પર આવી ગઈ હતી. આ પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ 2-1થી આગળ રહી હતી. હાફ ટાઇમ સુધી ભારતની લીડ 2-1 રહી હતી. ભારત માટે ત્રીજા ક્વાર્ટરમાં મનદીપ સિંહે શાનદાર ગોલ કર્યો હતો. તેણે આ ગોલ 33મી મિનિટે કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 3-1થી આગળ રહી હતી.


ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી છે


જોકે, દક્ષિણ કોરિયાના ખેલાડીઓએ વાપસી કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. સાઉથ કોરિયાએ મેચ સમાપ્ત થવાની માત્ર 2 મિનિટ પહેલા જ બીજો ગોલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. યાંગ ઝિહુને 58મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ રીતે સ્કોર 3-2 થઈ ગયો. જોકે ભારતે આ મેચ 3-2થી જીતી લીધી હતી. આ જીત બાદ ભારતીય ટીમે એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.


મલેશિયાને 5-0થી હરાવ્યું  


ભારતીય હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની રાઉન્ડ-રોબિન મેચમાં મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. ભારત તરફથી કાર્તિ સેલ્વમ (15મી મિનિટ), હાર્દિક સિંહ (32મી), કેપ્ટન હરમનપ્રીત સિંહ (42મી), ગુરજંત સિંઘ (53મી મિનિટે) અને જુગરાજ સિંહ (54મી મિનિટે) એ ગોલ કર્યા હતા. આ જીત બાદ ભારત ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે અને સેમિફાઇનલની નજીક પહોંચી ગયું છે.  ભારતને 42મી મિનિટે સતત ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા, જેમાંથી ત્રીજા પર ગોલ થયો હતો.