Bangladesh Squad For World Cup 2023: બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે તેની ટીમની જાહેરાત કરી છે. શાકિબ અલ હસન બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.  જ્યારે વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. તાજેતરમાં નિવૃત્તિ પછી પરત ફરેલા તમીમ ઇકબાલને સ્થાન મળ્યું નથી. આ પહેલા તમીમ ઈકબાલ પીઠની ઈજાને કારણે એશિયા કપમાં રમી શક્યો ન હતો. જો કે તમીમ ઈકબાલે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં વાપસી કરી હતી. આ સિવાય ફાસ્ટ બોલર ઈબાદત હુસેનને ઇજાના કારણે સ્થાન મળ્યું નથી. 






તમીમ ઈકબાલની ગેરહાજરીમાં બાંગ્લાદેશની બેટિંગની જવાબદારી મુશ્ફિકુર રહીમ, નઝમુલ હુસેન શાંતો, લિટન દાસ અને શાકિબ અલ હસન જેવા ખેલાડીઓ પર રહેશે. જ્યારે આ ટીમમાં સ્પિન વિકલ્પો શાકિબ અલ હસન, મહેંદી હસન મિરાજ, નસુમ અહેમદ અને મહેંદી હસન હશે. તસ્કીન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશની ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. આ સિવાય 15 સભ્યોની ટીમમાં શોરીફુલ ઈસ્લામ, હસન મહેમૂદ અને તનઝીમ હસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત અફઘાનિસ્તાન સામેની મેચથી કરશે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 7 ઓક્ટોબરે ધર્મશાળામાં રમાશે.


વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની 15 સભ્યોની ટીમ


શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ, લિટન દાસ (વાઈસ-કેપ્ટન), નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, તૌહીદ હૃદોય, તસ્કીન અહમદ, મુસ્તફિઝુર રહમાન, શોરીફુલ ઈસ્લામ, હસન મહમૂદ, નસુમ અહમદ, મહેદી હસન, તન્ઝીમ હસન સાકિબ, તંઝીદ હસન તમીમ અને મહમુદુલ્લાહ રિયાધ


આઇસીસી વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ ટાઈટલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી લીગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 29 ઓક્ટોબરે લખનઉના  સ્ટેડિયમમાં મેચ રમાશે.