Bangladesh t20 world cup squad 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વર્તમાન સામાજિક પરિસ્થિતિ વચ્ચે બોર્ડે એક મોટો નિર્ણય લેતા ટીમના સુકાની તરીકે અનુભવી હિન્દુ ખેલાડી (Hindu Player) લિટન દાસની પસંદગી કરી છે. જ્યારે ઉપ-કેપ્ટન તરીકે મોહમ્મદ સૈફ હસનને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ભારત સાથેના સંબંધો અને વેન્યુને લઈને બોર્ડની ઈમરજન્સી મીટિંગ પણ ચર્ચામાં છે.
હિન્દુઓ પરના અત્યાચારના અહેવાલો વચ્ચે મોટો નિર્ણય
બાંગ્લાદેશમાં તાજેતરમાં લઘુમતી હિન્દુઓ પર થયેલા અત્યાચારોના અહેવાલોએ જોર પકડ્યું હતું. આવા તંગદિલીભર્યા માહોલ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ (T20 World Cup) જેવી મોટી ટૂર્નામેન્ટ માટે લિટન દાસને કેપ્ટન બનાવીને સૌને ચોંકાવી દીધા છે. લિટન દાસ માટે કેપ્ટનશીપ નવી નથી; આંકડા પર નજર કરીએ તો તેણે અગાઉ 29 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી બાંગ્લાદેશ 15 મેચ જીત્યું છે અને 13 માં હાર્યું છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.
કોલકાતા અને મુંબઈમાં રમાશે મેચો
વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશી ટીમને ગ્રુપ C (Group C) માં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમના ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે તેમની લીગ રાઉન્ડની ચારમાંથી ત્રણ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ખાતે રમાશે, જ્યારે એક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. કોલકાતામાં બાંગ્લાદેશી ટીમને હંમેશા ઘર જેવું સમર્થન મળતું રહ્યું છે.
KKR-મુસ્તફિઝુર વિવાદ અને વેન્યુ બદલવાની માંગ
એક તરફ ટીમની જાહેરાત થઈ છે, તો બીજી તરફ BCB અને BCCI વચ્ચે ખટરાગ પણ સામે આવ્યો છે. અહેવાલો મુજબ, KKR એ BCCI ના નિર્દેશોનું પાલન કરીને બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને રીલીઝ કર્યો હતો, જેનો BCB એ સખત વિરોધ કર્યો છે. શનિવારે મળેલી કટોકટી બેઠક (Emergency Meeting) માં BCB એ એવી માંગણી કરી હતી કે તેમની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવામાં આવે. જોકે, BCCI એ સ્પષ્ટતા કરી છે કે તમામ લોજિસ્ટિક્સ અને હોટલ બુકિંગ થઈ ચૂક્યા હોવાથી હવે સમયપત્રકમાં ફેરફાર કરવો લગભગ અશક્ય છે.
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશની ટીમ
લિટન દાસ (કેપ્ટન), મોહમ્મદ સૈફ હસન (ઉપ-કેપ્ટન), તન્ઝીદ હસન, મોહમ્મદ પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હૃદયોય, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહાન, શેક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, મોહમ્મદ શૈફુદ્દીન અને શોરીફુલ ઇસ્લામ.