ઢાકાઃ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 સીરિઝની ત્રીજી મેચ ઢાકામાં રમાઈ રહતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એક નવોદિત ખેલાડીને મેદાન પર ઉતાર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર નાથન એલિસે ડેબ્યૂ કર્યુ અને ધમાકેદાર દેખાવ કર્યો હતો. તેણે પ્રથમ મેચમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો.


અંતિમ ઓવર ડેબ્યૂ મેનને આપીને રચાયો ઈતિહાસ


બાંગ્લાદેશ સામે ત્રીજી ટી-20માં યજમાન ટીમને ચોંકાવવા નાથન એલિસને ડેબ્યૂ કેપ અપાઈ હતી. મેચમાં બાંગ્લાદેશ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો લીધો હતો. બાંગ્લાદેશે 19 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 122 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં કેપ્ટન મહમુદુલ્લાહ પીચ પર હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને અંતિમ ઓવર નાથન એલિસને આપી હતી.


બાંગ્લાદેશના આ ખેલાડીઓને સળંગ ત્રણ બોલમાં કર્યા આઉટ


નાથન એલિસે અંતિમ ઓવરના પ્રથમ ત્રણ બોલ પર પાંચ રન આપ્યા હતા. પછીના ત્રણ બોલ પર હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. ચોથા બોલ પર મહમુદુલ્લાહ (52 રન), પાંચમા બોલ પર મુસ્તફિઝુર રહમાન અને અંતિમ બોલે મહેંદી હસનને આઉટ કરી ડેબ્યૂ મેચમાં હેટ્રિક લીધી હતી. તેણે 4 ઓવરમાં 34 રન આપી 3 વિકેટ લીધી હતી. 20 ઓવરમાં 9 વિકેટે બાંગ્લાદેશે 127 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 117 રન જ બનાવી શકી હતી. 10 રનથી મેચ જીતવાની સાથે બાંગ્લાદેશ ટી-20 શ્રેણી પણ જીતી હતી.


બનાવ્યો આ મોટો રેકોર્ડ


નાથન એલિસે આ સાથે કેટલાક રેકોર્ડ બનાવ્યા હતા. તે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ પર હેટ્રિક લેનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ઉપરાંત ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અંતિમ ત્રણ બોલ પર હેટ્રિક લેનારો પણ પ્રથમ ખેલાડી બન્યો હતો,. તે બ્રેટ લી અને એશ્ટન અગર બાદ ટી-20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનારો ઓસ્ટ્રેલિયાનો ત્રીજો ખેલાડી બન્યો હતો.