Bangladesh squad : ભારત અને પાકિસ્તાન બાદ બાંગ્લાદેશે એશિયા કપ માટે 16 સદસ્યોની ટીમની જાહેરાત કરી છે. લિટન દાસ ટીમનું નેતૃત્વ કરશે અને વિકેટકીપર બેટ્સમેન નુરુલ હસન ટીમમાં પરત ફર્યા છે, જે 3 વર્ષ પછી બાંગ્લાદેશની T20 ટીમમાં પાછા ફર્યા છે.
નુરુલ હસનની વાત કરીએ તો, તેણે બાંગ્લાદેશ માટે છેલ્લી T20 મેચ નવેમ્બર 2022 માં રમી હતી, ત્યારથી તે ટીમની બહાર હતો. તે લાંબા સમયથી ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો હતો. ઘરેલુ મેચોમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે અત્યાર સુધી 46 T20 મેચની કારકિર્દીમાં 445 રન બનાવ્યા છે.
મહેદી હસન મિરાઝ બહાર
પસંદગીકારોએ મહેદી હસન મિરાઝને ટીમમાં સ્થાન આપ્યું નથી. જોકે, તેને રિઝર્વ યાદીમાં સ્થાન મળ્યું છે.
બાંગ્લાદેશ ટીમની વાત કરીએ તો તેને એશિયા કપ 2025 ના ગ્રુપ B માં રાખવામાં આવી છે, જેમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગનો પણ સમાવેશ થાય છે. બાંગ્લાદેશ 11 સપ્ટેમ્બરે હોંગકોંગ સામેની મેચથી તેના એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે.
બાંગ્લાદેશી ટીમે એશિયા કપ પહેલા નેધરલેન્ડ્સ સામે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પણ રમવાની છે. આ T20 શ્રેણીમાં પણ, બાંગ્લાદેશના એ જ ખેલાડીઓ ભાગ લેશે જેમણે એશિયા કપમાં રમવાનું છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ વચ્ચે T20 શ્રેણીની મેચો 30 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના રોજ સિલહટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.
લિટન દાસની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશે પહેલીવાર શ્રીલંકા સામે T20 શ્રેણી જીતી હતી. ત્યારબાદ લિટન દાસની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશે ઘરઆંગણે પાકિસ્તાન સામે T20 શ્રેણી જીતી હતી. ટીમમાં મુસ્તફિઝુર રહેમાન અને તસ્કિન અહેમદ જેવા અનુભવી ફાસ્ટ બોલરોનો પણ સમાવેશ થાય છે. એશિયા કપ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સૌમ્ય સરકાર, મેહદી હસન મિરાઝ, તનવીર ઇસ્લામ અને હસન મહમૂદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એશિયા કપની આ સિઝનમાં કુલ 19 મુકાબલા રમાશે, જેમાં 8 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.
એશિયા કપ માટે બાંગ્લાદેશ ટીમ: લિટન દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, જેકર અલી અનિક, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહન, શક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહમદ, મુસ્તફિઝુર રહમાન, તંજીમ હસન સાકિબ, તસ્કીન અહમદ, શોરફુલ ઇસ્લામ, શૈફ ઉદ્દીન