2025 મહિલા વનડે વર્લ્ડ કપના ત્રીજા મેચમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશે 113 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન ફક્ત 129 રન જ બનાવી શક્યું. જવાબમાં બાંગ્લાદેશે 31.1 ઓવરમાં જ ફક્ત ૩ વિકેટ ગુમાવી લક્ષ્યનો પીછો કર્યો.
બાંગ્લાદેશ માટે રૂબાયા હૈદરે અણનમ 54 રનની મેચવિનિંગ ઇનિંગ રમી. તેણીએ 8 ચોગ્ગા ફટકાર્યા. શોભના મોસ્ટારી 24 રન બનાવીને અણનમ રહી, તેણે બાઉન્ડ્રીથી પોતાના બધા રન બનાવ્યા કુલ 6 ચોગ્ગા ફટકાર્યા. અગાઉ, શોર્ના અખ્તરે માત્ર 5 રન આપીને 3 વિકેટ લીધી. મારુફા અખ્તર અને નાહિદા અખ્તરે 2-2વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી
પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ઓપનર ઓમૈમા સોહેલ શૂન્ય પર આઉટ થઈ ગઈ અને ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી સિદ્રા અમીન પણ શૂન્ય પર આઉટ થઈ ગઈ. ત્યારબાદ મુનીબા અલી 35 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગઈ, જેમાં બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ રમીન શમીમ 23 રન બનાવીને આઉટ થઈ ગઈ. પાકિસ્તાને માત્ર 47 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
આલિયા રિયાઝ અને સિદરા રિયાઝ પાસેથી મોટી ઇનિંગ રમવાની અપેક્ષા હતી, પરંતુ તેઓ ફક્ત 20 રનની ભાગીદારી જ કરી શક્યા. આલિયાએ 43 બોલમાં 13 રન બનાવ્યા, જ્યારે સિદરાએ 20 બોલમાં 15 રન બનાવ્યા. કેપ્ટન સના ફાતિમા શાનદાર ફોર્મમાં દેખાઈ રહી હતી, પરંતુ વિકેટો પડતી રહી. પરિણામે, તે પણ 33 બોલમાં 22 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી જેમાં ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે.
બાકીના ખેલાડીઓએ પણ એક પછી એક સતત આઉટ થઈ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, નતાલિયા પરવેઝ 9 રને, નશરા સંધુ 1 રને અને સાદિયા ઇકબાલ 4 રન બનાવીને આઉટ થયા. ડિયાન બેગ 16 રને અણનમ રહી હતી.
ખરાબ શરૂઆત છતાં, બાંગ્લાદેશે સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો.
બાંગ્લાદેશની શરૂઆત પણ નબળી રહી હતી. ફરગાના હક માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ શરમીન અખ્તર માત્ર 10 રન બનાવી શકી. બાંગ્લાદેશે 35 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. પાકિસ્તાનને થોડી આશા હતી, પરંતુ રૂબાયા હૈદર અલગ લયમાં હતી. તેણીએ 77 બોલમાં 8 ચોગ્ગા સહિત 54 રન બનાવીને મેચવિનિંગ ઈનિંગ રમી. કેપ્ટન નિગાર સુલ્તાનાએ 23 રન સાથે સારી ઈનિંગ રમી હતી. અંતે, શોભના મોસ્ટારીએ 6 ચોગ્ગા ફટકારીને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો, 24 રન બનાવીને અણનમ રહી.