T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે અને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે કહ્યું છે કે હવે ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપવામાં આવશે.


BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે  ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરીને ખુશ છે.






તેમણે વધુમાં કહ્યું કે ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, દૃઢ નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું છે. આ શ્રેષ્ઠ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.  


ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ઈતિહાસ રચીને ટાઈટલ કબજે કર્યું છે. 17 વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે ભારતે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ટાઈટલ મેચમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે.  ભારતની આ શાનદાર જીત બાદ ટીમના ખેલાડીઓની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. 


ભારતની જીત બાદ આખી ટીમ ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્માથી લઈને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સુધી દરેકની આંખોમાં આંસુ હતા. ભારતીય ટીમની જીતનો આનંદ આખા સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. દરેક લોકો ભારતની જીતની ઉજવણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. 13 વર્ષ સુધી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ભારતે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.