Team India Schedule: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ 2024-2025ની ડોમેસ્ટિક સિઝન માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતની ડોમેસ્ટિક સીઝન સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરૂ થશે અને ટીમ ઈન્ડિયાએ તે જ ટીમ સાથે 3 T20 મેચ પણ રમવાની છે. આ સિવાય ભારતીય ટીમ આ વર્ષે ન્યુઝીલેન્ડ અને 2025ની શરૂઆતમાં ઈંગ્લેન્ડની યજમાની કરવા જઈ રહી છે. આ ડોમેસ્ટિક સીઝન દરમિયાન ભારત 5 ટેસ્ટ, 3 ODI અને 8 T20 મેચ રમશે.
ભારત ત્રણ દેશોની યજમાની કરશે
બાંગ્લાદેશ - ભારતીય ટીમ પ્રથમ સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશની યજમાની કરશે. આ પ્રવાસ 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ચાલશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે, જે ચેન્નાઈ અને કાનપુરમાં રમાશે. અને 6 થી 12 ઓક્ટોબર વચ્ચે બંને ટીમો 3 T20 મેચોમાં સામસામે ટકરાશે. આ 3 T20 મેચોનું આયોજન અનુક્રમે ધર્મશાલા, દિલ્હી અને હૈદરાબાદ કરશે.
ન્યુઝીલેન્ડ - બાંગ્લાદેશ સામેની શ્રેણી સમાપ્ત થયાના 4 દિવસ પછી, ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સાથે 3 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ કરશે. કિવી ટીમ ભારત સાથે 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 3 ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ બેંગલુરુમાં, બીજી પુણેમાં અને ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈમાં રમાશે.
ઈંગ્લેન્ડ - 2025ના નવા વર્ષમાં ભારત સામે પહેલો પડકાર ઈંગ્લેન્ડ હશે. ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે અને 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. લગભગ 3 અઠવાડિયામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20 અને 3 ODI મેચ રમાશે. આ તમામ આઠ મેચોની યજમાની આઠ અલગ અલગ મેદાનોને સોંપવામાં આવી છે.
ભારત ઝિમ્બાબ્વે સામે શ્રેણી રમશે
આ ડોમેસ્ટિક સિઝનની શરૂઆત પહેલા ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. T20 વર્લ્ડ કપ 2024ના સમાપનના થોડા જ દિવસો બાદ ભારત ઝિમ્બાબ્વેની મુલાકાત લેશે. બંને ટીમો વચ્ચે 6 જુલાઈથી 14 જુલાઈ સુધી 5 T20 મેચ રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના ઘણા સિનિયર ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે. જેના કારણે અન્ય નવોદીત ખેલાડીઓને ટીમ ઈન્ડિયા વતી રમવાનો મોકો મળી શકે છે.