Bangalore Stampede Chinnaswamy Stadium: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ઐતિહાસિક વિજયની ઉજવણી પહેલા બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી. ભાગદોડમાં 11 લોકોનાં મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દરેક વ્યક્તિએ આવી ઘટનાઓમાંથી પાઠ શીખવો જોઈએ.
BCCI નિયમો બનાવવાનું વિચારી રહ્યું છે
દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે આ ઘટનામાં કેટલીક ભૂલો થઈ છે. જોકે BCCIનો આ RCB ઇવેન્ટ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ તેમ છતાં આપણે તેમાંથી પાઠ શીખવો જોઈએ.' તેમણે વધુમાં કહ્યું કે BCCI હવે આવા વિજય ઉજવણી અંગે કેટલાક નવા નિયમો બનાવવાનું વિચારી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાનું નિવેદન
અકસ્માત પર BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે જે પણ મદદ થઇ શકશે અમે તે ચોક્કસ કરીશું. હું કર્ણાટક સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યો છું. અમે BCCI સ્તરે પણ આ મુદ્દા પર ગંભીરતાથી વાત કરી રહ્યા છીએ. આ દુ:ખદ ઘટના પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. આવી ઘટનાઓ ગમે ત્યાં બની શકે છે, તેથી તેનો ઉકેલ સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે.
તેમણે કહ્યું કે હું મારી ફ્રેન્ચાઇઝી, કર્ણાટક સરકાર અને પોલીસ અધિકારીઓના સંપર્કમાં છું. દરેક વ્યક્તિ પરિસ્થિતિને સંભાળવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં રોકાયેલ છે. રાજીવ શુક્લાએ કહ્યું, ક્રિકેટ એક રમત છે, તેમાં રાજકારણ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે IPL જેવી લીગમાં આવી ઘટના બનશે. અમે બધા અસરગ્રસ્ત પરિવારો સાથે છીએ અને શક્ય તેટલી મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઘટના સંબંધિત કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ બેકાબૂ થઈ ગઈ અને પાર્ક કરેલી કાર પર ચઢી ગઈ હતી. આ દરમિયાન કારને ખરાબ રીતે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલાએ ભીડ નિયંત્રણ, કાર્યક્રમની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે
હજારો RCB ચાહકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજેતા ખેલાડીઓની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન લોકો ગટર પર મૂકવામાં આવેલા કામચલાઉ સ્લેબ પર ચઢી ગયા હતા.
કાર્યક્રમ અને ભીડ નિયંત્રણ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે
કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા RCB ખેલાડીઓના સન્માનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ જોવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જોકે, એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કાર્યક્રમ પહેલા સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સ્થળ પર ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતા પોલીસ જવાનો અને બેરિકેડિંગ જેવી વ્યવસ્થા નહોતી, જેના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ અને દુર્ઘટના સર્જાઇ હતી.