T-20 વર્લ્ડકપ બાદ BCCIએ પણ રદ્દ કરી આ ત્રણ મોટી ટુર્નામેન્ટ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jul 2020 12:03 PM (IST)
બીસીસીઆઈએ કોરોનાના કારણે દિલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીનું આયોજન નહીં કરવા મન બનાવી લીધું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને રદ કર્યો છે. હવે વર્લ્ડ કપનું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. સોમવારે આઈસીસીની બોર્ડ મિટિંગમાં વર્લ્ડ કપ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દેશમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસના મામલાને ધ્યાનમાં રાખી BCCIએ ત્રણ મોટી ટૂર્નામેન્ટ નહીં યોજવાનો ફેંસલો કર્યો છે. રિપબ્લિક વર્લ્ડના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈએ કોરોનાના કારણે દિલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીનું આયોજન નહીં કરવા મન બનાવી લીધું છે. ભારતીય ઘરેલુ ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે, અનેક ખેલાડીઓ આ ટુર્નામેન્ટ દ્વારા જ ભારતીય ટીમમાં સ્થાન પામ્યા છે. બીસીસીઆઈએ કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ ભલે આ ત્રણ ટ્રોફીનું આયોજન નહીં કરવાનો ફેંસલો લીધો હોય પરંતુ રણજી ટ્રોફીનું આયોજન જાન્યુઆરી 2021માં થશે. રિપોર્ટ પ્રમાણે, બોર્ડે રણજી ટ્રોફીની શરૂઆતની મેચોનું માળખું તૈયાર કરી લીધું છે. ગઈકાલે T-20 વર્લ્ડકપ 2020 રદ્દ થવાની જાહેરાત સાથે જ આઈપીએલ 2020નો માર્ગ મોકળો થઈ ગયો છે. યુએઈમાં ઓક્ટોબર-નવેમ્બરમાં આઈપીએલનું આોજન થઈ શકે છે.