Asia Cup 2025 Promo: ક્રિકેટ એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તે 9 સપ્ટેમ્બરથી UAEમાં 8 ટીમો સાથે શરૂ થશે. ભારતમાં બ્રોડકાસ્ટર સોની સ્પોર્ટ્સ નેટવર્કે એશિયા કપનો સત્તાવાર પ્રોમો રજૂ કર્યો છે, જે વિવાદમાં છે. પ્રોમોમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચનો રોમાંચ બતાવવામાં આવ્યો છે, જેના પર ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રોમોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી મેચ રમતો દેખાય છે અને તેમાં વીરેન્દ્ર સેહવાગ પણ છે.
એશિયા કપ 2025ના પ્રોમો મારફતે ભારત સામે પાકિસ્તાન મેચનો રોમાંચ ફરીથી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પહલગામ હુમલા પછી આ મેચ રદ કરવાની માંગ કરવામાં આવી હતી પરંતુ હવે આ મેચ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ પ્રોમોએ ફરીથી સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે, તેના પર તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
એશિયા કપ 2025નો પ્રોમો
એશિયા કપમાં લોકોને ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જોતા બતાવવામાં આવ્યા છે. શાહીન શાહ આફ્રિદીના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવે છગ્ગો ફટકાર્યો અને ભારતને જીત અપાવી હતી. ત્યારબાદ એક મુસ્લિમ અંકલ બહાર આવે છે અને એક નાની છોકરી કહે છે કે દાદા આપણે જીતી ગયા. અંકલ ખૂબ ખુશ થાય છે અને પછી વીરેન્દ્ર સેહવાગ આવે છે અને કાકાને કહે છે કે ભગવાને તમારુ સાંભળી લીધું અને પછી બધા ઉજવણી કરે છે અને સેહવાગ કહે છે કે વાત ટીમ ઈન્ડિયાની છે, 140 કરોડ હૃદયના ધબકારા એકસાથે ધબકશે.
સોશિયલ મીડિયા પર નારાજગી જોવા મળી રહી છે
લોકો આ પ્રોમો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો એશિયા કપનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સોની સ્પોર્ટ્સ નેટવર્કની ટીકા કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમતા નથી, પરંતુ બંને ટીમો ICC અથવા ACC ટુર્નામેન્ટમાં એકબીજા સાથે રમે છે. એશિયા કપ 2025માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં યોજાવાની છે.