BCCI Meeting Central Contract 2025: તાજેતરમાં BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો વિષય ચર્ચામાં રહ્યો છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને લઈને 29 માર્ચે ગુવાહાટીમાં બીસીસીઆઈના અધિકારીઓની બેઠક યોજાવાની હતી. હવે એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. આ બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમના ભવિષ્ય અંગે ચર્ચા થશે તેવી અટકળો ચાલી રહી હતી. હાલમાં, મીટિંગની નવી તારીખને લઈને કોઈ અપડેટ આવ્યું નથી.

ઈન્ડિયા ટુડેમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ, બીસીસીઆઈના અધિકારીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને લઈને ગૌતમ ગંભીર અને અજીત અગરકરને મળવા જઈ રહ્યા હતા. આ બેઠકમાં ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિશે ચર્ચા થવાની આશા હતી. તમને જણાવી દઈએ કે હાલમાં ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છે. આ રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ કેટેગરીમાં રહેશે. પરંતુ રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી પર મુશ્કેલીના વાદળો ઘેરાવા લાગ્યા છે.

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમશે 

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈને પસંદગીકારોનો સંપર્ક કર્યો હતો. કોહલી માટે ઈંગ્લેન્ડ પ્રવાસ ઘણો મહત્વનો હોઈ શકે છે, જેમાં સફળતા અને નિષ્ફળતા તેના ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે. એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે ગયા વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે લિસ્ટમાંથી બહાર થઈ ગયેલા શ્રેયસ અય્યર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પરત ફરી શકે છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ અંગે પણ ચર્ચા થવાની હતી 

IPL 2025 ના સમાપનના થોડા અઠવાડિયા પછી, ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડની મુલાકાત લેવાની છે, જ્યાં તેણે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ સિવાય બીસીસીઆઈની બેઠકમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલા ભારતીય ખેલાડીઓ અંગે પણ ચર્ચા થઈ શકે છે. 

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCI દ્વારા ખેલાડીઓની આગામી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યુવા સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર, જે ગત વખતે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાંથી બહાર રહી ગયો હતો, તે ફરીથી વાપસી કરી શકે છે. પરંતુ હજુ પણ ઈશાન કિશનને લઈને શંકા છે.