Team India World Cup 2023: એશિયા કપ 2023ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મેચ બાદ વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI 3 સપ્ટેમ્બરે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ભારત-પાકિસ્તાન મેચ બાદ કેટલાક ખેલાડીઓની ફિટનેસ પણ જાણી શકાશે.


ઈન્ડિયા ટુડે પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, BCCI 3 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાનાર મેચ વર્લ્ડ કપની દૃષ્ટિએ મહત્વની રહેશે. પાકિસ્તાન એક મજબૂત ટીમ છે. તેની સામે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પ્રદર્શન મહત્વનું રહેશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ વખતે અનુભવી ખેલાડીઓની સાથે સાથે કેટલાક યુવા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે.


તમામ દેશોએ 28 સપ્ટેમ્બર પહેલા વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની રહેશે. ભારતે એશિયા કપ માટે કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરને ટીમમાં સામેલ કર્યા છે. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતા પરંતુ હવે તેમણે ફિટનેસ હાંસલ કરી લીધી છે. શ્રેયસ અથવા રાહુલને પાકિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. જો બંને સારૂ પ્રદર્શન કરશે તો તેઓ વર્લ્ડ કપ ટીમનો હિસ્સો પણ બની શકે છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે. તેથી તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે.


ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટેની ટીમમાં અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરી શકે છે. શુભમન ગિલની સાથે તિલક વર્માને પણ તક મળી શકે છે. તિલકને આંતરરાષ્ટ્રીય મેચનો બહુ અનુભવ નથી. પરંતુ તેણે ડોમેસ્ટિક મેચોમાં સારો દેખાવ કર્યો છે. આ પછી તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણે તે એશિયા કપ માટે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો.


આ વખતે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. છેલ્લી વખત જ્યારે વર્ષ 2018માં ODI ફોર્મેટમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો. એશિયા કપ 2023માં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.