નવી દિલ્હીઃ આજથી 22 વર્ષ પહેલા ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરે 22 એપ્રિલ, 1998માં શારજહામાં ઓસ્ટ્રેલિયા સામે યાદગાર ઈનિંગ રમી હતી. સચિને 143 રન બનાવ્યા હતા, જે ત્યારે તેના કરિયરનો શ્રેષ્ઠ સ્કોર હતો પરંતુ તેની આ ઈનિંગ મેચ જીતાડી શક્યું નહોતું.


1998માં કોકા કોલા કપની ક્વોલિફાઈિંગ મેચમાં ટીમ ઈન્ડિયાની 26 રનથી હાર થઈ હતી. સચિને એકલા હાથે 143 રનની ઈનિંગ રમી હોવા છતાં ભારતની હાર થઈ હતી. જોકે સચિનની ઈનિંગના કારણે ભારત ફાઈલનમાં ક્વોલિફાય થયું અને ટ્રોફી જીતી હતી.

મેચમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટના નુકસાન પર 284 રન બનાવ્યા હતા. મેચમાં આંધીના કારણે વિક્ષેપ પડ્યો હતો. જેના કારણે ભારતને મેચ જીતવા 46 ઓવરમાં 276 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 250 રન બનાવી નેટ રન રેટના આધારે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ મેચમાં જ્યારે રેતીનું તોફાન (આંધી)આવ્યું ત્યારે સચિન પણ ગભરાઈ ગયો હતો. તે બેટિંગ કરતો હતો. તેણે આ અંગે એક વખત કહ્યું કે, મને લાગતું હતું કે ઓછું વજન હોવાના કારણે તોફાનમાં ક્યાંક ઉડી ન જાવ, ત્યારે મારા દિમાગમાં એવો વિચાર આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટને પકડીને બચી શકાય છે.

સચિન એક છેડા પર ઉભો રહ્યો અને રન બનાવતો રહ્યો, તેણે 131 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનિંગમાં આવેલો સચિન 43મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. સચિન બાદ ટીમમાં સર્વોચ્ચ સ્કોર 35 રન નયન મોંગિયાનો હતો. સચિને શેન વોર્ન, કાસ્પ્રોવિઝ, સ્ટીવ વૉ, ટૉમ મૂડી સહિત ઓસ્ટ્રેલિયાના તમામ બોલરને નિર્દયતાથી ફટકાર્યા હતા. ફાઈનલમાં પણ સચિને શાનદાર ઈનિંગ રમીને ભારતને જીતાડ્યું હતું.

આ સીરિઝ બાદ શેન વોર્ને કબૂલાત કરી હતી કે, મને સપનામાં પણ સચિનની સિક્સર દેખાય છે.