IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઐતિહાસિક ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ભારતીય ટીમ માટે મોટો પડકાર બની શકે છે. આ મેદાન પર તેનો અત્યંત પ્રભાવશાળી રેકોર્ડ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બની શકે છે.

બેન સ્ટોક્સ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે, અને માન્ચેસ્ટર તેના માટે એક લકી ગ્રાઉન્ડ સાબિત થયું છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે તેણે અત્યાર સુધી કુલ 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 579 રન બનાવ્યા છે. આ મેદાન પર તેની બેટિંગ સરેરાશ લગભગ 54ની આસપાસ રહી છે, જે તેની શાનદાર ફોર્મને દર્શાવે છે. આ 8 મેચમાં સ્ટોક્સે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે, જે તેની બેટિંગ ક્ષમતાનો પુરાવો છે. જોકે, બોલિંગમાં તેણે આ 8 મેચમાં માત્ર 6 વિકેટ જ લીધી છે, પરંતુ વર્તમાન શ્રેણીમાં તે બોલિંગમાં જે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યો છે, તે જોતા તે બેટ અને બોલ બંનેથી ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે.

વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સ્ટોક્સ બેટિંગમાં ભલે મોટી ઇનિંગ્સ ન રમી શક્યો હોય, પરંતુ તેણે પોતાની બોલિંગથી ભારતીય બેટ્સમેનોને સતત પરેશાન કર્યા છે. માન્ચેસ્ટરના પરિચિત મેદાન પર તે બેટથી પણ ફરી ફોર્મમાં આવી શકે તેવી શક્યતા છે, જે ભારત માટે કપરો પડકાર ઊભો કરશે.

માન્ચેસ્ટરમાં ભારતનો કંગાળ રેકોર્ડ, શ્રેણી દાવ પર

આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ હાલ 2-1થી આગળ છે. આ નિર્ણાયક ચોથી મેચ માન્ચેસ્ટરમાં યોજાઈ રહી છે, જ્યાં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ અત્યંત નબળો છે. ભારતીય ટીમ છેલ્લા 89 વર્ષથી આ મેદાન પર એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારતે ઓલ્ડ ટ્રેફોર્ડ પર કુલ 9 મેચ રમી છે, જેમાં તેઓ એક પણ મેચ જીતી શક્યા નથી. ઇંગ્લેન્ડે આ મેદાન પર 4 મેચ જીતી છે, જ્યારે 5 મેચ ડ્રો રહી છે.

ભારતીય ટીમ માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે જો તેઓ આ મેચ હારી જશે તો શ્રેણી પણ ગુમાવી દેશે. આ સંજોગોમાં, બેન સ્ટોક્સનો માન્ચેસ્ટરનો શાનદાર રેકોર્ડ અને ભારતીય ટીમનો આ મેદાન પરનો ખરાબ ઇતિહાસ, ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બન્યો છે.